ભાણવડ પંથકમાં જીવદયા અને વન્યજીવ સંરક્ષણની સરાહનીય કામગીરી કરતાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં ચાર અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માનવ વસ્તીની આસપાસ જોવા મળેલા આ અજગરોને સુરક્ષિત રીતે પકડી વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેમના કુદરતી રહેઠાણ એવા બરડાના વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાણવડ અને આસપાસના વિસ્તારોમાં માનવજીવનની સલામતી તેમજ વન્યજીવોના રક્ષણના હેતુથી ટ્રસ્ટની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અનુભવી રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટની આગેવાનીમાં દત્ત દેસાઈ, દૂદાભાઈ ભરવાડ, હરીશભાઈ વાઘેલા અને પરાગ પીઠિયાએ સંકલનપૂર્વક કામગીરી કરી ચારેય અજગરને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના રેસ્ક્યુ કર્યા હતા.ત્યારબાદ વન વિભાગની સૂચના અને માર્ગદર્શન મુજબ તમામ અજગરોને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સભ્યોની આ કામગીરીથી એક તરફ માનવ વસ્તીમાં સંભવિત જોખમ ટાળવામાં આવ્યું હતું, તો બીજી તરફ વન્યજીવોને તેમના કુદરતી પર્યાવરણમાં સુરક્ષિત રીતે પરત પહોંચાડવાની જીવદયાની ભાવનાને પણ સાર્થક કરવામાં આવી હતી.