BREAKING NEWS

ICAની ચૂંટણીમાં 730માંથી 526 મતો મેળવી દિલીપ સંઘાણીનો ઐતિહાસિક વિજય

  • November 02, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (આઈસીએ)ની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવી ગુજરાત અને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરનાર ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીનું ગાંધીનગરના અડાલજ ખાતે ભવ્ય અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રની આ આંતરરાષ્ટ્રીય સફળતાને બિરદાવવા આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા. આ પ્રસંગે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધનની ચૂંટણીમાં દિલીપ સંઘાણીએ કુલ 730 મતોમાંથી 526 મતો મેળવીને નોંધપાત્ર વિજય હાંસલ કર્યો છે. આ પરિણામને ભારતીય સહકારી આંદોલન માટે મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. વિશ્વના સહકારી ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિષ્ઠા અને ગુજરાતના સહકારી મોડેલની સ્વીકૃતિના પ્રતીકરૂપે આ વિજયને રજૂ કરવામાં આવ્યો હતો. સંઘાણીની આ સફળતાથી દેશભરના સહકારી વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઈ છે.


સન્માન સમારોહને સંબોધતાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની હવા સહકારી ક્ષેત્ર માટે હંમેશાં ફળદ્રુપ રહી છે. આજે દુનિયાભરમાં સહકારી ક્ષેત્રની વાત આવે ત્યારે ગુજરાતની સરખામણી કરી શકાય તેવું બીજું ઉદાહરણ મળવું મુશ્કેલ છે. ગુજરાતે સહકારી પ્રવૃત્તિઓના માધ્યમથી આર્થિક અને સામાજિક વિકાસનું આગવું મોડેલ ઊભું કર્યું છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અલગ સહકાર મંત્રાલયની રચના કરવામાં આવ્યા બાદ દેશના સહકારી ક્ષેત્રને નવી દિશા અને ગતિ મળી છે. આઈસીએની ચૂંટણીમાં મળેલા જંગી મતો દેશમાં સહકાર ક્ષેત્ર માટે ઊભા થયેલા સકારાત્મક વાતાવરણ અને વિશ્વાસનું પરિણામ છે.


સંઘાણીએ વૈશ્વિક મંચ પર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, સંસ્કાર અને સહકારી પરંપરાનું પ્રતિનિધિત્વ કરવાની સાથે સહકાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સતત સક્રિય રહેવાની ખાતરી આપી હતી. અડાલજ ખાતે યોજાયેલો આ સન્માન સમારોહ માત્ર વ્યક્તિગત સિદ્ધિની ઉજવણી નહીં, પરંતુ ગુજરાતના સહકારી આંદોલનની વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠાને બિરદાવવાનો અવસર પણ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application