BREAKING NEWS

રાજકોટ શહેર અને જિલ્લામાં શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને રજા, શિક્ષકો અને સ્ટાફે આવવાનું રહેશેઃ કલેક્ટર ઓમ પ્રકાશનો આદેશ

  • July 31, 2026 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જાહેરાત કરી છે કે, આવતીકાલે રાજકોટ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી આંગણવાડીઓ, શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા રહેશે.


કલેક્ટરે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ રજા માત્ર વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે, જ્યારે શાળાના શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફે ફરજ પર હાજર રહેવાનું રહેશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં શિક્ષકોની હાજરી અનિવાર્ય રહેશે, જેથી જો કોઈ ગામમાં ભારે વરસાદના કારણે પૂર કે જળબંબાકારની સ્થિતિ સર્જાય અથવા સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો શાળાની ઇમારતનો આશ્રયસ્થાન (શેલ્ટર હોમ) તરીકે ઉપયોગ કરી શકાય. આવી કપરી પરિસ્થિતિમાં શિક્ષકો ગ્રામજનોને જરૂરી મદદ અને સહયોગ પૂરો પાડી શકશે.


જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન તૈયારીઓની સમીક્ષા કરતા કલેક્ટર ઓમ પ્રકાશે ગોંડલ તાલુકાના આપત્તિ નિયંત્રણ ખંડ (ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ)ની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે ગોંડલ તાલુકાના કેટલાક સંવેદનશીલ ગામોની મુલાકાત લઈને સ્થાનિક સરપંચો, પંચાયતના પ્રતિનિધિઓ અને તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે તમામ સરપંચોને પોતાના વિસ્તારમાં સતત એલર્ટ રહી ગામ લોકોને સાવચેત કરવા અને જરૂર પડે તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા વિનંતી કરી છે.


ભારે વરસાદી માહોલ વચ્ચે જિલ્લા કલેક્ટરે નાગરિકો માટે પણ મહત્વની સુરક્ષા સૂચનાઓ જારી કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, અનિવાર્ય કામ વગર ઘરની બહાર ન નીકળવું અને બિનજરૂરી અવરજવર ટાળવી. નદી-નાળા, તળાવ કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું સાહસ ન કરવું તેમજ મનોરંજન માટે જળાશયો પાસે ન જવું. આ ઉપરાંત, પશુપાલકોને પોતાના પશુઓ ખુલ્લા રાખવા અને નાગરિકોને જૂની-જર્જરિત ઇમારતો, મોટા વૃક્ષો, હોર્ડિંગ્સ કે વીજળીના થાંભલાઓથી દૂર રહેવા ખાસ હિમાયત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News