રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા ૨૪ કલાકમાં (તારીખ ૦૬ જુલાઈ ૨૦૨૬ સવારે ૦૬:૦૦ વાગ્યાથી તારીખ ૦૭ જુલાઈ ૨૦૨૬ સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી) રાજ્યના ૨૨૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહીના પગલે શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત અને વલસાડ બંને જિલ્લા અને શહેરમાં આવેલી તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતી અને હિતને પ્રાથમિકતા આપતાં શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. વલસાડના વાપી તાલુકામાં સૌથી વધુ ૨૧૮ મીમી (૮.૫૮ ઇંચ) વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં પારડીમાં ૧૬૧ મીમી (૬.૩૪ ઇંચ), ઉમરગામમાં ૧૫૯ મીમી (૬.૨૬ ઇંચ), નાનાપોંઢામાં ૧૫૦ મીમી (૫.૯૧ ઇંચ) અને કપરાડામાં ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) વરસાદ પડ્યો છે.
સુરત જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. સુરતના કામરેજ તાલુકામાં ૧૬૪ મીમી (૬.૪૬ ઇંચ) જ્યારે સુરત શહેરમાં ૧૩૭ મીમી (૫.૩૯ ઇંચ) જેટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામમાં ૧૨૪ મીમી (૪.૮ ઇંચ) અને ગણદેવીમાં ૭૫ મીમી વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ થતાં નદી-નાળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના ઘોઘામાં ૧૫૬ મીમી (૬.૧૪ ઇંચ), ભાવનગર શહેરમાં ૧૧૪ મીમી (૪.૪૯ ઇંચ), અને સિહોરમાં ૧૧૩ મીમી (૪.૪૫ ઇંચ) વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં ૧૧૭ મીમી (૪.૬૧ ઇંચ), બાબરામાં ૧૧૧ મીમી (૪.૩૭ ઇંચ), અને અમરેલી શહેરમાં ૧૦૮ મીમી (૪.૨૫ ઇંચ) વરસાદ નોંધાયો છે.
રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી ભારે વરસાદ ચાલુ રહ્યો છે. વડોદરાના સિનોરમાં ૯૯ મીમી, ડભોઈમાં ૯૦ મીમી અને વડોદરા શહેરમાં ૫૯ મીમી વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લામાં ધંધુકામાં પંચાવન મીમી, સાણંદમાં ૫૦ મીમી અને અમદાવાદ શહેરમાં છ મીમી વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં પાટણના રાધનપુરમાં ૧૦૭ મીમી (૪.૨૧ ઇંચ) ભારે વરસાદ પડ્યો છે.
આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા
આજે પણ સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ચાલુ છે. સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 76 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સવારના આ બે કલાકમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ ૭૦ મીમી (૨.૭૬ ઇંચ) વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં કામરેજમાં ૬૫ મીમી (૨.૫૬ ઇંચ) અને બારડોલીમાં ૫૨ મીમી (૨.૦૫ ઇંચ) ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ તાલુકામાં ૪૪ મીમી (૧.૭૩ ઇંચ) અને સુરતના પલસાણામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે, જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.