ઉક્રેનના ઉત્તર-પૂર્વમાં આવેલા ખાર્કિવ (Kharkiv) વિસ્તારમાં મંગળવારે (18 ઓગસ્ટ 2026) રશિયા દ્વારા કરવામાં આવેલા એક ભયાનક મિસાઇલ હુમલામાં કમસે કમ 10 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ દહશતનાક હુમલામાં અન્ય 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઉક્રેની અધિકારીઓના જણાવ્યા મુજબ રશિયાએ સામાન્ય નાગરિકોની અવરજવર વાળા વિસ્તારને નિશાન બનાવીને આ વિસ્ફોટ કર્યો હતો. આ સમગ્ર દુર્ઘટના અંગેનો સવિસ્તાર અહેવાલ નીચે મુજબ છે.
ઉક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું હતું કે, સવારે રશિયાએ ખાર્કિવ ક્ષેત્રના 'પેચેનિહી' (Pechenihy) ગામના એક અત્યંત વ્યસ્ત ચોક પર ક્રૂર મિસાઇલ હુમલો કર્યો હતો. આ એવો વિસ્તાર હતો જ્યાં પોસ્ટ ઓફિસ, દુકાનો અને આસપાસ માત્ર સામાન્ય નાગરિકોના રહેણાંક મકાનો આવેલા હતા. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે, "અમે રશિયાના આ હુમલાનો યોગ્ય સમય અને ચોક્કસ રીતે જવાબ આપીશું."
10 મકાનો, કૅફે અને કારો ક્ષતિગ્રસ્ત
ખાર્કિવના ગવર્નર ઓલેહ સિનિયેહુબોવે ટેલિગ્રામ પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રશિયન મિસાઇલ હુમલામાં 10 ખાનગી મકાનો, એક કૅફે, એક પોસ્ટ ઓફિસ, કરિયાણાની દુકાન અને ઓછામાં ઓછી 7 કારો સંપૂર્ણ કે આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. સ્થાનિક મીડિયા સુસ્પીલને (Suspilne) સાથે વાતચીત કરતાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે મિસાઇલો ગામના મધ્ય ભાગમાં જઈને ખાબકી હતી, જ્યાં સવારના સમયે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી.
બે ક્રૂઝ મિસાઇલો વડે હુમલો
ઉક્રેનના પ્રોસિક્યુટર જનરલ કાર્યાલય દ્વારા જારી કરાયેલી પ્રાથમિક તપાસ માહિતી મુજબ રશિયાએ આ ભયાનક હુમલા માટે 2 નાની 'બાંદરોલ' ક્રૂઝ મિસાઇલો (Banderol Cruise Missiles) નો ઉપયોગ કર્યો હતો. આ હુમલા અંગે હાલ સુધી રશિયા તરફથી કોઈ સત્તાવાર જાહેર ટિપ્પણી કે નિવેદન સામે આવ્યું નથી. ઇમરજન્સી ટીમો દ્વારા પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.