BREAKING NEWS

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા ધાર્મિક સંસ્થાઓમાં ભારે ક્રેઝ, સૌથી વધુ સ્વામિનારાયણ સંપ્રદાયની અરજી

  • March 24, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંદિરો બનાવવા પાછળ થતા લાખો- કરોડો રૂપિયાના ખર્ચા બંધ થવા જોઈએ અને શિક્ષણ સંસ્થાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ તેવી વાતો સમાજમાં થતી હોય છે. સમાજના અન્ય વર્ગના લોકો આ વાત સ્વીકારે કે ન સ્વીકારે પરંતુ ધાર્મિક સંસ્થાઓએ હવે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. સાંપ્રત સમાજમાં છેલ્લા થોડા સમયથી ધર્મ અને શિક્ષણનો સમન્વય વધુ ગાઢ થતો હોય તેવું જણાય છે. નવા શૈક્ષણિક સત્ર થી શાળાઓ શરૂ કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અરજીઓ માંગવામાં આવી હતી. નિયત સમય મર્યાદામાં આવેલી અરજીઓમાંથી મોટા ભાગની અરજીઓ ધાર્મિક સંસ્થાઓની હોવાની વાત બહાર આવી રહી છે. આમાં પણ સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય નવી શાળા શરૂ કરવા માટે ભારે ઉત્સુક હોવાનું જણાય છે અને તેમની અરજી સૌથી વધુ છે.


સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠા નામની ગાંધીનગરના છારોડી ખાતે આવેલી અને રીબડા ખાતે ચાલતી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ સંસ્થા દ્વારા એસએસજી સર્વજીવ હિતાવહના નામે સ્કૂલની મંજૂરી માગવામાં આવી છે.


બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર દ્વારા જામનગરમાં ખંભાળિયા બાયપાસ પાસે બોઇસ અને ગર્લ્સ માટેની અલગ અલગ બે સ્કૂલ માટેની ડિમાન્ડ વિધિવત રીતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડને કરી દેવામાં આવી છે.


રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગાંધીનગરમાં પણ સ્કૂલ શરૂ કરવા માટેની મંજૂરી માંગવામાં આવી છે. યોગાનંદ સ્વામી નારાયણ સેવા સમાજ ટ્રસ્ટના નામ હેઠળ બોટાદ જિલ્લાની ગઢડા સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગઢડામાં શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી સ્કૂલના નામથી અલગ અલગ બે સ્કૂલની દરખાસ્ત કરવામાં આવી છે. દ્વારકામાં શ્રી દ્વારિકેશ બાલાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડીએસપી પબ્લિક સ્કૂલ માટેની દરખાસ્ત ગાંધીનગરમાં કરવામાં આવી છે.


મોરબી જિલ્લામાં આવેલ આમરણ ખાતે દાવલશા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આમરણમાં નવી સ્કૂલ શરૂ કરવા માટેની દરખાસ્ત બોર્ડને કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામમાં જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ, ભાવનગર જિલ્લાના મહુવામાં જય ગણેશ સેવા મંડળ, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીલા ગામે શ્રીકૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ, દ્વારકામાં શ્રી દ્વારિકેશ લાલજી ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સકુલ શરૂ કરવા માટે મંજૂરી માંગવામાં આવી છે. બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને અત્યારે લગભગ દરરોજ શાળાઓ શરૂ કરવા માટે આવેલી અરજીઓ પરત્વે નિર્ણય લેવા માટે મીટીંગ યોજાતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application