અમરેલીના કણકોટ ગામની અને હાલ રેલનગરમાં માવતરના ઘરે રહેતી પરિણીતા ઉપર પતિએ છરીથી હુમલો કરતા ઈજાઓ થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જતા જતા પતિએ તને રાજકોટમાં રહેવા નથી દેવી, ઘોબા ઉપાડી લેવા છે તેવી ધમકી આપી હતી.
પરિણીતાને હાથ અને શરીરના ભાગે ઇજા પહોંચી
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના કણકોટ ગામે સાસરું ધરાવતી નિરાલીબેન ધર્મેશભાઈ સરવૈયા (ઉ.વ.24)ની પરિણીતા કેટલાક દિવસથી રેલનગરમાં ભગીની ટાઉનશીપમાં માવતર ડાયાભાઇ અને રેખાબેન સીતાપરાના ઘરે રહે છે. ગઈકાલે દૂધ લેવા જતા ઘર બહાર છુપાઈને બેઠેલા પતિ ધર્મેશએ પકડીને છરીથી હુમલો કરતા દેકારો મચાવતા પરિવારજનો સહિતના લોકો દોડી આવ્યા હતા. પરિણીતાને હાથ અને શરીરના ભાગે ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
હાલ પતિ સુરત તેના માતા પિતા સાથે રહેવા ચાલ્યો ગયો છે
નિરાલીબેનના કહેવા મુજબ ચાર વર્ષ પહેલા અમરેલીના કણકોટ ગામે રહેતા ધર્મેશ સાથે લગ્ન થયા છે. સંતાનમાં એક પુત્રી છે. હાલ પતિ સુરત તેના માતા પિતા સાથે રહેવા ચાલ્યો ગયો છે. થોડા દિવસ પહેલા પતિ મને અહીં માવતરના ઘરે મૂકી ગયો હતો ત્યારે મારા માતા રેખાબેનએ તેને ઠપકો આપતા તેનો ખાર રાખી ગઈકાલે હુમલો કર્યો હતો. અગાઉ પણ ખોટી શંકા કુશંકા કરી મારમાર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.