BREAKING NEWS

એન્જિનરિંગનો અભ્યાસ કરનાર પત્નીને પતિએ કાઢી મૂકી: મોબાઇલ હેક કરી ડેટા ડિલિટ કરી દીધા

  • August 25, 2026 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સત્યસાંઇ હોસ્પિટલ પાછળ કાસા કોપર એપાર્ટમેન્ટમાં ભાઈના ઘરે રહેતી મયુરીબેન(ઉ.વ.૪૦) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં રહેતા પતિ રોનક રમેશભાઈ હાંસલીયા, અમેરિકામાં રહેતા સસરા રમેશભાઈ, સાસુ હંસાબેન, નણંદ કુંતીબેન મકવાણા તથા રાજકોટમાં રહેતા અન્ય સાસરીયા જેમાં ચંદ્રિકાબેન ભાલોડિયા, ચીમનભાઈ ભાલોડીયા, પ્રિતેશભાઈ ભાલોડીયા અને હરસુખભાઈ મકવાણાના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા દોઢેક માસથી અહીં તેના ભાઈ તપન વાજાના મકાનમાં દીકરી સાથે રિસામણે છે. પરિણીતાએ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેણે રોનક હાંસલીયા સાથે પ્રેમ સંબંધ હોય પરંતુ બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પરિવારજનો રાજી ન હોય બંન્ને તા. 12 ઓક્ટોબર 2013 ના કોર્ટ મેરેજ કર્યા હતા. બાદમાં કુટુંબ સાથે વાતચીત કરી તારીખ 23-2- 2014 ના જ્ઞાતિના રીતે રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સાથે ગુલાબ બિહાર સોસાયટી શેરી નંબર એક ખાતે રહેતા હતા. લગ્નના 10 વર્ષ સુધી ઘરસંસાર ઠીકઠાક ચાલ્યો હતો. પરિણીતાના મામા અશોકભાઈ કાલાવડીયા અને તેનો પતિ એક સાથે ધંધો કરતા હોય અને તે ધંધા બાબતે પરિણીતાના મામાએ તેના પિતાને કહેતા હતા કે, રોનક ધંધામાં ધ્યાન આપતો ન હોય અને માણસોનો પગાર કરતો ન હોય જેથી પરિણીતાના પિતાએ સમજાવતા રોનક ઝઘડો કરવા લાગ્યો હતો અને નાની નાની વાતમાં બોલાચાલી કરવા લાગ્યો હતો.વર્ષ 2024 માં મે થી નવેમ્બર દરમિયાન સાસુ સસરા રાજકોટ સાથે રહેતા હતા. દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી મેણા ટોણા મારતા હતા. બાદમાં સાસુ- સસરા અમેરિકા જતા રહ્યા હતા. ઓગસ્ટ 2025 માં રાજકોટ ઘરે પરત આવ્યા હતા બાદમાં સાસુ -સસરા અવારનવાર પુત્રને કહેતા હતા કે, તારી પત્નીને કહે તેના પિતા પાસેથી રૂપિયા 50 લાખ લઈ આવે લગ્ન સમયે પરિણીતાના પિતાએ આશરે 20 તોલા સોનું આપ્યું હતું જે સોનુ પતિ રોનક લઈ ગયો હતો. બાદમાં સાસુ-સસરાએ પરિણીતાના પતિને કહ્યું હતું કે, તમે બંને મકાન ખાલી કરી નાખો. તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહો. પતિ-પત્ની બંને બહારગામ ફરવા ગયા બાદ પરત આવતા સાસુ-સસરાએ મકાનમાં બીજું તાળું મારી દીધું હતું. બાદમાં દંપતિ આદિત્ય હાઈટ ગોપાલ ચોક ખાતે ભાડે રહેવા ગયુ હતું.છ એક મહિના થયા બાદ પતિ ઘર મૂકીને જતો રહ્યો હતો. બાદમાં પરિણીતાએ તેના સગાને તથા સાસુ-સસરા જે અમેરિકામાં રહેતા હોય તેને ફોન કરી જાણ કરી હતી પરંતુ કોઈએ જવાબ આપ્યો ન હોય ત્યારબાદથી પરિણીતા તેના ભાઈના ઘરે છેલ્લા દોઢ મહિનાથી રહે છે. દરમિયાન પરિણીતાને જાણ થઇ હતી કે, તેનો પતિ ઘરે આવ્યો છે જેથી ગઈ તા. 13- 8- 2026 ના સાંજના તે દીકરીને લઈને જતાં પતિએ માતા-પુત્રી બંનેને કાઢી મૂક્યા હતા અને મારા મારી કરી હતી. જેથી જે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.તે સમયે નણંદના સસરા અશોકભાઈ મકવાણા આવ્યા હતા અને બોલાચાલી કરી ગાળો આપી હતી. પરિણીતાના પતિએ તેણીનો મોબાઇલ હેક કરી તેના તમામ ડેટા ડીલીટ કરી નાખ્યા છે તેમજ પરિણીતા તથા તેની દીકરીના તમામ ડોક્યુમેન્ટ પતિ પાસે છે. જેથી અંતે કંટાળી જઇ પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application