ન્યારી–૨ ડેમમાં પાણી સંગ્રહ વધશે તો રાજકોટની નર્મદા નીર પરની નિર્ભરતા ઘટશે: દાવો
ન્યારી–૨ ડેમમાં પાણી સંગ્રહ વધશે તો રાજકોટની નર્મદા નીર પરની નિર્ભરતા ઘટશે: દાવો
May 20, 2026 01:42 PM
રાજકોટની નજીક આવેલા ન્યારી–૨ ડેમની પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવશે તો રાજકોટની નર્મદા નીર પરની નિર્ભરતા ઘટવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ ડેમના ખોદકામ દરમિયાન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનો પરત મેળવવા માટે રાજકોટ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી .ન્યારી–૨ ડેમને લોકભાગીદારીથી ઊંડો કરવાની કામગીરી નજીકના વિસ્તારના તરઘરી, ખંઢેરી, ખંભાળા, મોટા રામપર અને રંગપર ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. તેઓનો દાવો છે કે, ડેમનેએકવાર ૨૦–૨૫ ફૂટ ઊંડો કરવામાં આવશે તો કાયમી ધોરણે ફાયદો થશે તેમજ રાજકોટની નર્મદાના પાણી પરની નિર્ભરતા પણ ઘટશે. તેમજ જે કામગીરી કરવામાં આવી છે તે સિંચાઈ વિભાગની મંજૂરી લઈ કરવામાં આવી છે. ત્યારે પાંચ ગામના ૩૩ ખેડૂતો અને ગ્રામજનોએ આજરોજ રાજકોટ કલેકટરને એક આવેદન આપી રજૂઆત કરી છે. જે મુજબ, દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદીના જનભાગીદારીના સૂત્રથી પ્રેરિત થઈને અમે સૌરાષ્ટ્રની મુખ્ય સમસ્યા એવી પાણીની અછતને કાયમી ધોરણે હરી કરવા આગળ આવ્યા છીએ. અમારા વિસ્તારનો ન્યારી–૨ ડેમ સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે પરંતુ કાપ ભરાઈ જવાને કારણે તેની જળ સંગ્રહ ક્ષમતા ખૂબ ઓછી થઈ ગઈ છે. પરિણામે, ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. ૧૩ વર્ષ પછી આ ડેમ ખાલી થયો હોવાથી અમે પાંચ ગામના ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ વિભાગની યોગ્ય મંજૂરી લઈને ૧૦૦ ટકા લોક ભાગીદારીથી પોતાના ખર્ચે ડેમને ઊંડો કરવાનું કાર્ય શરૂ કર્યું છે. આનાથી રાજકોટની નર્મદાના પાણી પરની નિર્ભરતા ઘટશે. પરંતુ સ્થાનિક સ્તરે ખોટી ગેરસમજ ઊભી કરીને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા અમારા મશીનો પકડવામાં આવી રહ્યા છે જેનાથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. ગત ત્રણ–ચાર દિવસ પહેલા ચાલુ કામમાંથી ખેડૂતોના એક બે સાધનો પણ જપ્ત કરાયા છે. અમે કોઈ વ્યવસાયિક ખનન નથી કરી રહ્યા માત્ર લોકિતનું કાર્ય કરીએ છીએ અમારી વિનંતી છે કે તંત્ર દ્વારા ખેડૂતો કે મશીન ચાલકોને હેરાન કરવામાં ન આવે અને સહકાર આપવામાં આવે. જબ તક કરાયેલા ખેડૂતોના સાધનો તાત્કાલિક વિના શરતે પરત કરવામાં આવે.