રક્તદાન કરો તો સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં કરજો તો કોઈ ગરીબને મફત બ્લડ મળશે, આ લખવા પાછળનું એક માત્ર કારણ પ્રાઇવેટ બ્લડ બેંકનો લોહીનો વેપાર છે, રૂ.400 થી લઈ ઈમરજન્સીના નામે રૂ.2000 સુધીનો ચાર્જ વસુલતા ગરીબો રક્ત માટે લૂંટાઈ રહ્યા છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગ દ્વારા કાર્યરત બ્લડ બેંક બ્લડ ડોનેશન કેમ્પમાં સહયોગ આપી ખુદ પણ કેમ્પ યોજીને જરૂરિયાતમંદોને નિ:શુલ્ક બ્લડ પૂરું પાડી રહી છે.
વર્ષ 2025માં 21,069લોકોએ સિવિલની બ્લડ બેંકમાં રક્તદાન કર્યું હતું જેની સામે સિવિલ અને ઝનાના હોસ્પિટલમાં 31,177લોકોએ રક્તની જરૂરિયાત ઉભી થતા બ્લડ બેંકએ નિ:શુલ્ક રક્ત પૂરું પાડ્યું હતું. આ માટે સામાજિક સંસ્થાઓ, એનજીઓ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન, કોલેજોના સહયોગથી વર્ષ દરમિયાન 228 જેટલા બ્લડ ડોનેશન કેમ્પ યોજી દર્દીઓ સુધી બ્લડ પહોંચાડવાની વ્યવસ્થા સરળ બનાવવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ સહીત સૌરાષ્ટ્રના 400થી વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ નિયમિત રીતે સાયકલ મુજબ બ્લડની જરૂરિયાત પુરી પાડવામાં આવી રહી છે. પેથોલોજી વિભાગની તબીબી ટીમે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક 1200 થી 1500 જેટલી વોલેન્ટ બેગ સ્ટોરેજની કેપિસિટી ધરાવે છે.
આ ઉપરાંત દરરોજ 70 થી 80 બ્લડ ડોનેટમાં મળે છે જેની સામે 82થી વધુ આપવામાં આવે છે, જરૂરિયાતને પહોંચી વળવા માટે દર્દીના સ્વજનને બ્લડ ડોનેટ કરવા માટે પણ સમજાવવા આવે છે. જેથી કરીને બેંકની સાયકલમાં ગેપ ન પડે અને અન્ય દર્દીઓને ઝડપથી બ્લડ મળી આપી શકીએ, આ માટે કોઈને પણ ફરજીયાત પણે બ્લડ ડોનેટ કરવાનું કહેવામાં આવતું નથી, ખાસ કરીને નેગેટિવ બ્લડ ગ્રુપ મેળવવામાં વધુ તકલીફ પડતી હોય છે, બ્લડની વધુ પડતી જરૂરિયાત વિશે જણાવતા ટીમે ઉમેર્યું હતું કે, ટ્રોમા, ગાયનેક, પીડીયા અને મેડિસિન વિભાગના જીબીએસ, લીવરની બીમારી, લોહીના ગઠ્ઠા થઇ જવા, કિડની જેવા ગંભીર રોગના દાખલ દર્દીઓને તાતી જરૂરિયાત રહે છે. દર્દીઓ અને સ્વજનને હેરાન ગતિ નો સામનો ન કરવો પડે એ માટે વધુમાં વધુ બ્લડ ડોનેશન કેમ્પ મારફતે અમારી ટીમ દવારા જરૂરિયાતને પહોંચી વળવા માટેના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ રીતે બ્લડનું ગ્રુપ અને ઘટકો અલગ પાડવામાં આવે છે,
બ્લડ બેકમાં રક્ત મેળવતા પહેલા રક્ત આપનારની મેડિકલ હિસ્ટ્રી તપાસવામાં આવે છે, જે બાદ ગ્રુપ નક્કી કરવા માટે સેમ્પલ લઈ આધુનિક ટેક્નોલોજી મશીનમાં તપાસ કરી ગ્રુપ નક્કી કરવામાં આવે છે, કમ્પોઝીટ સિસ્ટમમાં બ્લડમાંથી જુદા જુદા રેડ સેલ, પ્લાઝમા, પ્લેટલેટ, પીઆરપી સહિતના 10 જેટલા ઘટક અલગ પાડવામાં આવે છે, આ સાઇકલ માટે ઓછામાં ઓછો 6 થી 8 કલાક જેટલો સમય લાગે છે. જુદા પડેલા પ્લાઝ્મા, રેડસેલ, પ્લેટલેટ દર્દીની જરૂરિયાત મુજબ આપવામાં આવે છે.
રક્તદાન કેમ્પ યોજવા માત્ર એક ફોનથી બ્લડ બેંક સ્થળ પર પહોંચશે
સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવા માટે કોઈ લાંબી પ્રોસેસ નથી કોઈ પણ વ્યક્તિને સામુહિક રીતે કેમ્પનું આયોજન નક્કી થયે સિવિલની બ્લડ બેંકના નંબર 0281 2450385 ઉપર સંપર્ક કરી જાણ કરવાની રહેશે, આથી બ્લડ બેંકનો સ્ટાફ જે-તે જગ્યાએ સ્પેશિયલ કેમ્પ માટેના વાહન સાથે જરૂરી તમામ મેડિકલ ઇકવીપમેન્ટ સાથે પહોંચી મદદરૂપ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક જગ્યાએ લોકો સારા-નરસા પ્રસંગોમાં રક્તદાન કેમ્પ યોજી અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે, સાથે સાથે નિયમિત રીતે શાળા, કોલેજો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજી સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું પાડી રહ્યા છે. તો લોકો પણ નિયમિત રીતે અને ખાસ કરીને ઉનાળા દરમિયાન રક્તદાનને મહામૂલું દાન સમજી માનવ ફરજ નિભાવીએ
દર્દીને વોર્ડ સુધી બ્લડ પહોંચે એ પ્રકારે સિસ્ટમ
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા કપરી પરિસ્થિતિમાં બ્લડ શોધતા હોય ત્યારે કેટલાક લેભાગુઓ બ્લડનો પણ વેપાર કરી મોટી રકમ મેળવી બહારથી બ્લડની વ્યવસ્થા કરી આપતા હોવાનું અનેક વખત અગાઉ સામે આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં કોઈ આર્થિક રીતે ભોગ ન બને એ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દી જે વોર્ડમાં દાખલ હોય ત્યાંજ રેસિડેન્ટ ડોક્ટર ફોર્મ ભરી બ્લડ બેંકમાં મોકલી આપે છે, અને બ્લડની વ્યવસ્થા થતા રેસિડેન્ટ ડોક્ટર અથવા સ્ટાફને જ હેન્ડ ટુ હેન્ડ આપવામાં આવે છે, આ પ્રકારે સુદ્રઢ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.