વલ્લભીપુર તાલુકાના નવાગામ અને લોલીયાણા વચ્ચે આવેલી લીંડિયા નદીમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તેમજ આ પ્રવૃત્તિને કારણે તળાવના પાળાને નુકસાન થતાં તૂટવાનો ભય સ્થાનિક ગ્રામજનોમાં ફેલાયો છે. ભૂમાફિયાઓ દ્વારા તળાવના ઊભા પાળામાંથી માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આનાથી તળાવની સંરચના નબળી પડી રહી છે, જે ભવિષ્યમાં મોટી દુર્ઘટના નોતરી શકે છે. આ બાબતે નવાગામના સરપંચે વલ્લભીપુરના મામલતદાર પરમારને રૂબરૂ જાણ કરી હતી. જોકે, મામલતદારે આ વિષય ખાણ ખનીજ વિભાગનો હોવાનું જણાવી કાર્યવાહી કરવામાં અસમર્થતા દર્શાવી હતી. ગ્રામજનોએ અનેકવાર જવાબદાર અધિકારીઓને ટેલિફોન દ્વારા પણ જાણ કરી છે, છતાં કોઈ અધિકારી સ્થળ પર તપાસ માટે આવ્યા નથી. ગામ લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે મામલતદાર સહિતના અધિકારીઓને માસિક હપ્તા મળતા હોવાથી કોઈ પગલાં લેવાતા નથી. આ બાબતે નવાગામ (લો) ગામના સરપંચ લીલાબેન પરમારે જણાવ્યું હતું કે આ ખનન છેલ્લા ૬ માસથી થઈ રહ્યું છે , જવાબદાર અધિકારી કોઈ પગલાં લેતા નથી, આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. આ બાબતે વલ્લભીપુર મામલતદાર પરમાર ને પૂછતા તેઓએ મૌન સેવી લીધું હતું, અને ’આ ખનન બાબતે હુ કોઈ પ્રતિક્રિયા આપવા માંગતો નથી’ તેવું જણાવ્યું હતું . આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તંત્રની નિષ્ક્રિયતા પર ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે. વહેલી તકે આ માટી ખનન રોકવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.