BREAKING NEWS

ચોટીલામાં દેવ દિવાળીએ આશરે સવા લાખ માઈભક્તોએ કર્યા મા ચામુંડાનાં દર્શન

  • November 25, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યાત્રાધામ ચોટીલા ખાતે દેવ દિવાળી અને કારતકી પૂર્ણિમાના પર્વે ચામુંડા માતાજીના ડુંગર મંદિરે શ્રદ્ધા અને ભક્તિનો અદભુત માહોલ સર્જાયો હતો. ગત સોમવારની સાંજથી મંગળવારની રાત્રી સુધી માઈભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. અંદાજે એકથી સવા લાખ જેટલા શ્રદ્ધાળુઓએ માં ચામુંડાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



કારતકી પૂનમ નિમિત્તે મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રી સંઘો માતાજીના સુશોભિત રથ અને વિશાળ ધજાઓ સાથે આગલા દિવસે જ ચોટીલા આવી પહોંચ્યા હતા. પદયાત્રાના અંતિમ પડાવ સમાન માતાજીની તળેટીમાં સંઘોનું આગમન થતાં જાણે નવરાત્રી જેવો ભક્તિમય માહોલ છવાયો હતો.



માતાજીના જયઘોષ, ડીજેના તાલે રમાતા ગરબા અને ધર્મધજાઓ સાથે રથયાત્રાના આગમનથી સમગ્ર તળેટી વિસ્તાર આખી રાત ધમધમતો રહ્યો હતો. પરંપરાગત રીતે વર્ષોથી પદયાત્રા કરતા સંઘોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની પદયાત્રા પૂર્ણ કરી હતી.



ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાના ભાગરૂપે મધરાતે 1:30 કલાકે ડુંગર મંદિરના પગથિયાંના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ વહેલી સવારે 2 કલાકે માતાજીની પ્રથમ આરતી યોજાઈ હતી. આરતીના દર્શન માટે પણ મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા.


દેવ દિવાળીના પવિત્ર પર્વે ચામુંડા ચોકડીથી હાઈવે માર્ગ સુધી યાત્રિકોની ભારે અવરજવર જોવા મળી હતી. સોમવારની સાંજથી મંગળવારની રાત્રી સુધી દર્શનાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહેતા સમગ્ર ચોટીલા પંથક ભક્તિમય બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application