BREAKING NEWS

શિયાળાના પ્રારંભે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૮૩માંથી ૬૫ ડેમની જળસપાટી ૫૦%થી નીચે

  • October 26, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી કારતક માસ-શિયાળાની ઋતુના પ્રારંભે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૮૩માંથી ૬૫ ડેમમાં ઉપલબ્ધ જળ જથ્થાની ટકાવારી ૫૦ ટકાથી નીચે પહોંચી જતા ચિંતા પ્રસરી છે. નર્મદા કેનાલ મેન્ટેનન્સનું કારણ આગળ ધરી સૌની યોજનાનું નર્મદાનીર જળાશયોમાં ઠાલવવાનું બંધ કર્યાને એક મહિના જેવો સમય વીતવા આવ્યો છે ત્યારે જો હવે વ્હેલી તકે જળાશયોમાં નર્મદા નીર નહીં ઠલવાય તો દિવાળી બાદ તુરંત પાણીનો પોકાર ઉઠશે તે નક્કી છે.આજની સ્થિતિએ સરેરાશ જોઇએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ડેમોમાં ૩૬.૨૦ ટકા, મોરબી જિલ્લાના ડેમોમાં ૬૭.૭૯ ટકા, જામનગર જિલ્લાના ડેમોમાં ૮.૨૬ ટકા, દ્વારકા જિલ્લાના ડેમોમાં ૧.૧૮ ટકા, સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં ૬૧ ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે પોરબંદર જિલ્લાનો સોરઠી ડેમ સાવ ખાલી છે અને અમરેલી જિલ્લાના સાંકરોલી ડેમમાં ૨૦ ટકા જળ જથ્થો ઉપલબ્ધ છે. નબળું વર્ષ હોય ડેમોમાં ઠલવાતું સૌની યોજનાનું નર્મદાનીર સિંચાઇ માટે નહીં અપાય તેવી સ્પષ્ટતા થઇ ચૂકી છે પરંતુ દિવાળી બાદ પીવાના પાણી માટેનો પોકાર સર્જાય તે પૂર્વે હવે સૌની યોજનાનું નર્મદાનીર જળાશયોમાં ઠાલવવામાં આવે તે સમયની માંગ છે.ખાસ કરીને ૨૫ લાખની વસતી ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા મહાનગર રાજકોટને પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં દિવાળી સુધી અર્થાત તા.૮ નવેમ્બર સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ રહ્યો હોય જો હવે સૌની યોજનાનું નર્મદાનીર વ્હેલી તકે નહીં અપાય તો નૂતન વર્ષના પ્રારંભથી જ પાણી પ્રશ્ન સર્જાશે તે નક્કી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application