BREAKING NEWS

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન: 'આશિયાનો' તૂટતા પહેલા માસૂમ બાળકોએ માથે ઉંચક્યો ઘરવખરીનો ભાર; હૃદય કંપાવતા દ્રશ્યો

  • February 21, 2026 02:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે તંત્રએ કમર કસી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના કાફલાએ આજે આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો હતો. જોકે, આ વહીવટી પ્રક્રિયા વચ્ચે સૌથી વધુ કરુણ સ્થિતિ નાના બાળકોની જોવા મળી હતી. જે ઉંમરે બાળકોના હાથમાં રમકડાં કે પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે આજે જંગલેશ્વરના બાળકો પોતાના માથા પર ઘરનો સામાન ઉંચકીને રસ્તા પર નીકળવા મજબૂર બન્યા હતા.


પોલીસનું ફૂટ પેટ્રોલિંગ અને સમજાવટ

આજે વહેલી સવારથી જ મનપાના અધિકારીઓ અને પોલીસના ધાડેધાડા જંગલેશ્વરમાં ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બીજી તરફ, મનપાના અધિકારીઓએ લાઉડસ્પીકર અને વ્યક્તિગત મુલાકાત દ્વારા લોકોને વિનંતી કરી હતી કે, બુલડોઝર ફરે તે પહેલાં તેઓ પોતપોતાનો ઘરવખરીનો સામાન સુરક્ષિત રીતે બહાર કાઢી લે.


માસૂમોની વેદના: "ઘર તૂટ્યાનો ડર અને ભારે થેલા"

તંત્રની સૂચના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમયે સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે માસૂમ બાળકો પોતાના ઘરની ચીજવસ્તુઓ બચાવવા માટે મેદાને આવ્યા. વીડિયોમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, કેટલાક બાળકો પોતાના માથા પર ગાદલા-તકિયા અને વાસણો ઉંચકીને જતા નજરે પડ્યા હતા. નાના બાળકો જેમનાથી માંડ થેલા ઉપડતા હતા, તેઓ પણ રડમસ ચહેરે પોતાના તૂટતા ઘરને બચાવવા મથી રહ્યા હતા. આ બાળકોના ચહેરા પર પોતાનો હર્યોભર્યો આશિયાનો છીનવાઈ જવાની જે વેદના હતી, તેણે જોનારા દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી.


વહીવટી મક્કમતા વિરુદ્ધ માનવીય લાચારી

રાજકોટ મનપા 1,489 જેટલી મિલકતો તોડી પાડવા માટે મક્કમ છે. જોકે, જ્યારે વહીવટી તંત્રના બુલડોઝર ગરીબોના ઘર પર ચાલે છે, ત્યારે તેનાથી સૌથી વધુ પ્રભાવિત બાળકો અને વૃદ્ધો થતા હોય છે. જંગલેશ્વરના આ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે શહેરના વિકાસ અને રસ્તાના આયોજનની કિંમત ઘણીવાર આવા માસૂમોએ પોતાનું ઘર ગુમાવીને ચૂકવવી પડે છે. તંત્ર દ્વારા સામાન ખસેડવા માટે ટ્રેક્ટરોની સુવિધા અપાઈ હોવા છતાં, મધ્યમ અને ગરીબ પરિવારોમાં ફેલાયેલી આશંકા અને ડરને કારણે બાળકો પણ આ કામગીરીમાં જોડાઈ ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application