આણંદના તત્કાલીન કલેક્ટર સાથે જોડાયેલા હનીટ્રેપ કેસમાં સસ્પેન્ડ કરાયેલા ક્લાસ-વન ગેસ અધિકારી કેતકી વ્યાસની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોએ કેતકી વ્યાસ સામે આવકથી વધુ ૩.૫૬ કરોડની સંપત્તિ વસાવવા બદલ ગુનો નોંધ્યો છે. આ તપાસમાં ખુલાસો થયો છે કે, અધિકારીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિનું સર્જન કર્યું હતું.
એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે એપ્રિલ-૨૦૧૨ થી માર્ચ-૨૦૨૩ ના સમયગાળા દરમિયાન, કેતકી વ્યાસે પોતાના અને પરિવારના સભ્યોના નામે કરોડોની મિલકતો ખરીદી હતી. આ રોકાણ માત્ર અમદાવાદના રિયલ એસ્ટેટ પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ ગિફ્ટ સિટીમાં પણ મોટું રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, મહેમદાવાદમાં પેટ્રોલ પંપ માટે જમીન ભાડે આપ્યાનો અને શેરબજારમાં મોટાપાયે રોકાણ કર્યાનો ઘટસ્ફોટ પણ થયો છે.
આ તપાસ દરમિયાન એસીબી ને ચોંકાવનારી વિગતો મળી છે. કેતકી વ્યાસના પરિવારના ચાર સભ્યોના નામે ૩૪ થી વધુ બેંક એકાઉન્ટ અને શેરબજારના એકાઉન્ટ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ એકાઉન્ટ્સમાં તપાસ દરમિયાન બે કરોડથી વધુ રકમ રોકડ સ્વરૂપે જમા કરવામાં આવી હતી. આટલું મોટું ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાતા, એસીબીએ તેમના માતા-પિતા સહિતના પરિવારજનોના નામે થયેલા આર્થિક વ્યવહારોને આધારે વધારાનો ફોજદારી ગુનો નોંધ્યો છે.
કેતકી વ્યાસ, જેઓ અગાઉ મામલતદાર તરીકે સરકારી સેવામાં જોડાયા હતા, તેમણે ૧૧ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન આ સંપત્તિ ભેગી કરી હતી. તેઓ આણંદ, વિરમગામ, બાવળા, મહેમદાવાદ, અમદાવાદ અને કડીમાં મામલતદાર તથા નાયબ કલેક્ટર અને એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પોતાની પદનો દુરુપયોગ કરી કાયદેસરની આવકના સ્ત્રોત કરતા ૬૮.૮૪ ટકા વધુ મિલકત મેળવી હતી.
આ કેસની ગંભીરતાને જોતા, એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ અને નાયબ નિયામક ભારતી પંડ્યા દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને હવે ચાર્જશીટ દાખલ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના સરકારી વર્તુળોમાં પણ ભારે ચર્ચાનો વિષય બની છે.