BREAKING NEWS

ભારત સહિત 4 દેશોના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવામાં રાહત, ઈરાને લીધો મોટો નિર્ણય

  • November 04, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) ને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ઈરાને આ વ્યૂહાત્મક સમુદ્રી માર્ગ પરથી પસાર થતાં ભારતીય કમર્શિયલ જહાજોને લાગુ ટ્રાન્ઝિટ પ્રતિબંધોમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત ઉપરાંત ઈરાને ચીન, ઈરાક અને કતારના વેપારી જહાજોને પણ આ ખાસ છૂટછાટ આપી છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત-મોગદ્દમે એક ઈન્ટરવ્યુમાં આ માહિતી આપી છે.


ઈરાની સ્ટુડન્ટ્સ ન્યૂઝ એજન્સી (ISNA) સાથેની વાતચીતમાં હયાત-મોગદ્દમે જણાવ્યું હતું કે, "અમે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતારના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાન્ઝિટ પાબંદીઓમાંથી મુક્તિ આપી છે. આ દેશોના જહાજો હવે આસાનીથી પસાર થઈ શકે છે."


આ દેશોના જહાજોને શા માટે મળી છૂટ?

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ છૂટછાટ ઈરાનની રાજદ્વારી અને આર્થિક જરૂરિયાતો સાથે જોડાયેલી છે. ભારતીય જહાજો માટે આ ખાસ વ્યવસ્થા ભારતમાંથી દવાઓ અને તબીબી પુરવઠાની આયાતને સરળ બનાવવા માટે કરવામાં આવી છે. જ્યારે ચીની જહાજોને આપેલી છૂટનો મુખ્ય હેતુ બેઇજિંગનું રાજકીય સમર્થન મેળવવાનો છે. ઈરાન આ માર્ગનો ઉપયોગ કરતા ભારતીય અને ચીની જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલે છે, જ્યારે કતારના જહાજોને વગર કોઈ ચાર્જે પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારત માટે શા માટે મહત્વપૂર્ણ છે હોર્મુઝ સ્ટ્રેટ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ પર્સિયન ગલ્ફને ઓમાનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડતો અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું આશરે 90 ટકા કાચું તેલ આયાત કરે છે, જેમાંથી હાલમાં લગભગ 30 ટકા આયાત આ હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ દ્વારા થાય છે. એક સમયે ભારતનું 70 ટકા કાચું તેલ આ જ રસ્તા પરથી આવતું હતું, પરંતુ પાછળથી ભારતે પોતાના સપ્લાય સ્ત્રોતોમાં વિવિધતા આણી છે.


​​​​​​​ફેબ્રુઆરી 2026 માં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને આ મહત્વપૂર્ણ માર્ગ પરથી જહાજોના આવાગમન પર કડક પ્રતિબંધો લાદી દીધા હતા. ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO) અનુસાર, સંઘર્ષની શરૂઆતથી ઓગસ્ટ વચ્ચે વેપારી જહાજો પર ઓછામાં ઓછા 70 હુમલા નોંધાયા હતા, જેમાં 19 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. આવા સમયે ઈરાન તરફથી મળેલી આ છૂટછાટ ભારતીય ઊર્જા સુરક્ષા અને વેપાર માટે મોટી રાહત સમાન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News