BREAKING NEWS

દિવાળી પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા માટે સેફ્ટી એડવાઇઝરી જાહેર: ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી રાખવા તંત્રની અપીલ

  • November 04, 2026 06:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળી પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા માટે સેફ્ટી એડવાઇઝરી જાહેર: ફટાકડા ફોડતી વખતે સલામતી અને સાવચેતી રાખવા તંત્રની અપીલ

આગામી દિવાળી પર્વ નિમિત્તે જિલ્લામાં કોઈ આકસ્મિક ઘટના, આગ કે અન્ય અનિચ્છનીય બનાવ ન બને, નાગરિકોની સલામતી જળવાઈ રહે અને લોકો પૂર્ણ હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી જાહેર જનતાના હિતાર્થે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતી અને સાવચેતી અંગેની જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

તહેવારો દરમિયાન ફટાકડાના ઉપયોગ અંગે માર્ગદર્શિકા આપતાં જણાવાયું છે કે, નાગરિકોએ હંમેશા લાયસન્સ ધરાવતા અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ ફટાકડા ખરીદવા જોઈએ. ફટાકડાને બંધ કન્ટેનરમાં સ્ટોર કરવા અને તેને કોઈપણ દાહક કે જ્વલનશીલ પદાર્થોથી દૂર રાખવા. ફટાકડા ફોડવા માટે ખુલ્લી જગ્યા પસંદ કરવી અને આજુબાજુ કોઈ જ્વલનશીલ પદાર્થ નથી તેની ખાતરી કરી લેવી. ક્રેકરના લેબલ પર છાપેલી સૂચનાઓ અવશ્ય વાંચવી. ફટાકડા ફોડતી વખતે યોગ્ય સળગતી મીણબત્તી કે દીવાની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડવા, તેમજ વીજળીના થાંભલા, વાયરો કે વાહનની અંદર ક્યારેય ફટાકડા ન ફોડવા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને કોટન ગોડાઉન વિસ્તારની આજુબાજુ ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. ફટાકડા સળગાવવા માટે મેચ બોક્સ કે લાઈટર જેવા ઓપન ફાયરનો ઉપયોગ ટાળીને સ્પાર્કલર, લાંબુ લાકડું કે અગરબત્તીનો ઉપયોગ કરવો. અડધા બળી ગયેલા કે ફૂટવામાં વધુ સમય લેતા ફટાકડા સાથે છેડછાડ ન કરવી, સલામત અંતર જાળવી તેના પર પાણી રેડી દેવું.

વ્યક્તિગત સુરક્ષા અને બાળકોની સંભાળ અંગે વિશેષ ધ્યાન દોરતા જણાવાયું છે કે, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ અને યોગ્ય ફિટિંગ ધરાવતા વસ્ત્રો જ પહેરવા. સિલ્ક કે સિન્થેટિક ફેબ્રિકના તથા લાંબા અને ઢીલા કપડાં પહેરવાનું ટાળવું. લાંબા વાળ ધરાવતા વ્યક્તિઓએ વાળ યોગ્ય રીતે બાંધી રાખવા તેમજ ફરજિયાત ફૂટવેર પહેરીને જ બહાર નીકળવું. ક્યારેય હાથમાં રાખીને ફટાકડા ફોડવા નહીં. બાળકો હંમેશાં મોટેરાઓની દેખરેખ હેઠળ જ ફટાકડા ફોડે તે બાબત સુનિશ્ચિત કરવી. વધુ પડતા ઘોંઘાટથી બચવા કાનમાં કોટન પ્લગ મૂકવા અને શ્વસન સંબંધી તકલીફ ધરાવતા લોકોએ ઘરની અંદર જ રહેવું.

કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ઘર તથા ધાબા પરથી જ્વલનશીલ પદાર્થો હટાવી લેવા અને ઇમરજન્સી માટે પાણીની ડોલ તૈયાર રાખવી. આગ કે અકસ્માતના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે જિલ્લા કંટ્રોલ રૂમ નં. ૦૨૮૮-૨૫૫૩૪૦૪, જામનગર મહાનગરપાલિકા ફાયર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૮-૨૬૭૨૨૦૮ અથવા ફાયર બ્રિગેડના ૧૧૨ નંબર પર તુરંત સંપર્ક કરવા જણાવાયું છે.તેમજ ફાયર બ્રિગેડ સહિત તમામ બચાવ એજન્સીઓને તાત્કાલિક કામગીરી અર્થે સ્ટેન્ડબાય રાખવા નિવાસી અધિક કલેક્ટરશ્રી વિમલ ચૌધરી દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News