અમદાવાદ શહેરનો વિકાસ જે ઝડપે થઈ રહ્યો છે, તેની સાથે બજારમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનું વેચાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તહેવારોની સિઝન હોય કે સામાન્ય દિવસો, મીઠાઈ અને ફરસાણમાં થતી ભેળસેળથી નાગરિકોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થાય છે. આ ગંભીર સમસ્યાને નાથવા અને ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા એક અત્યંત ક્રાંતિકારી અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી ગ્રાહકો સમક્ષ લાઈવ પ્રસારણ કરાવ્યા બાદ, હવે એએમસી દ્વારા શહેરની તમામ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની વિશેષ કિટ રાખવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
આ નિર્ણય અંગે માહિતી આપતાં સ્થાયી સમિતિના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલ પમ્પ પર જેવી રીતે ઈંધણની શુદ્ધતા માપવાના માપિયા અને ફિલ્ટર પેપર રાખવામાં આવે છે, તેવી જ રીતે હવે મીઠાઈ-ફરસાણની દુકાનમાં ખરીદી કરવા ગયેલા ગ્રાહકને જો કોઈ ખાદ્ય વસ્તુ પ્રત્યે શંકા જાય તો તેઓ પોતાની રીતે જ કિટ દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરી શકશે. આ કિટ તમામ દુકાનદારોએ ફરજિયાતપણે પોતાની દુકાનમાં વસાવવી પડશે અને જો ભેળસેળ જણાય તો ગ્રાહક મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને તુરંત ફરિયાદ કરી શકશે.
અમદાવાદ શહેરમાં હાલ અંદાજે 3500 થી 4000 જેટલી નાના-મોટા પાયા પર ચાલતી મીઠાઈ અને ફરસાણની દુકાનો આવેલી છે. ફૂડ વિભાગની આકરી સૂચના મુજબ, દરેક વેપારીએ તમામ જરૂરી કેમિકલ અને કાચના સાધનો સાથેની કિટ દુકાન પર ગ્રાહકો સ્પષ્ટ રીતે જોઈ શકે તે રીતે કાઉન્ટર પાસે પ્રદર્શિત કરવાની રહેશે. આ કિટમાં વપરાતા તમામ કેમિકલ્સ બજારમાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને તેનો ખર્ચ પણ સામાન્ય હોવાથી દરેક વેપારીને પરવડે તેમ છે.
આ અગાઉ હેલ્થ વિભાગ દ્વારા શહેરની તમામ 11,150 જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં સીસીટીવી કેમેરા લગાવી, તેના લાઈવ ફૂટેજ રિસેપ્શન કે કાઉન્ટર પાસે ગ્રાહકો સમક્ષ પ્રદર્શિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રસોડામાં શુદ્ધતા અને સ્વચ્છતા જળવાય તે માટે લેવાયેલા આ નિર્ણયની અમલવારી પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે સ્થાયી સમિતિની બેઠકમાં અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
દરેક વેપારીએ પોતાની દુકાન પર આઠ જરૂરી સાધનો અને કેમિકલ્સ સાથેની કિટ સજ્જ રાખવાની રહેશે. જેમાં નાઈટ્રિક એસિડ, હાઈડ્રોક્લોરિક એસિડ, આયોડિન સોલ્યુશન, ખાંડના દાણા, પેટ્રી ડિશ, સ્ટોપર સાથેની ટેસ્ટ ટ્યુબ, ગ્લાસ રોડ અને ટિસ્યુ પેપર રોલનો સમાવેશ થાય છે.