BREAKING NEWS

જૂનાગઢ જીલ્લામાં ભાદરવો ભરપૂર અડધો થી ચાર ઇંચ વરસાદ

  • September 14, 2026 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જીલ્લામાં દોઢ મહિના બાદ મેઘરાજા વરસ્યા હતા. ગઈકાલ સવારથી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં અડધો થી ચાર ઇંચ વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીનુ મોજુ છવાયું છે. ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેથી નદીઓમાં અને દામોદર કુંડમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે.
     જૂનાગઢ જીલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ ગઈકાલે સવારથી જ વરસાદનું આગમન થયું હતું. દોઢ મહિનાથી વરસાદ ન આવતા લોકો અને ખેડૂતો ચિંતાતુર થયા હતા આ ઉપરાંત પાણીની પણ સમસ્યા સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગિરનાર અને દાતાર પર્વત પર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ગિરનાર પર્વત પર સવારે ૪થી૮ વાગ્યા સુધીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જેથી દામોદર કુંડ માં નવા નીર આવ્યા છે. પગથીયા પર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. વરસાદના કારણે પર્વત પર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે.
        ગઈકાલથી વરસાદ શરૂ થતા લોકોએ હાસ્કારો મેળવ્યો છે. આજે સવારે ભેસાણમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલથી શરૂ થયેલ વરસાદમાં જિલ્લામાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ ભેસાણમાં ચાર જૂનાગઢ બે , મેંદરડા અને વિસાવદરમાં દોઢ, કેશોદ માળીયાહાટીના , માંગરોળ અને વંથલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે.જેથી ડેમ નદી નાળા છલોછલ થાય તે માટે જૂનાગઢ વાસીઓ દ્વારા વિઘ્નહર્તાને  પ્રાર્થના કરી રહ્યા છે .
   શહેરમાં માત્ર બે ઇંચ વરસાદમા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો રસ્તા નો પણ કચ્ચરધાણ થઈ રહ્યો છે.આ લખાઈ રહ્યું છે ત્યારે ગિરનાર અને દાતાર પર્વત પર ધોધમાર વરસાદ  વરસી રહ્યો છે જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. દોઢ મહિના બાદ મેઘરાજાએ મુકામ કર્યો છે.

#કાળવા પર આવેલ દરવાજો ખોલાતા નરસિંહ મહેતા સરોવરમાં પુષ્કળ પાણીની આવક
આ વર્ષે નરસિંહ મહેતા સરોવર ઊંડું ઉતારવામાં આવ્યું તો બીજી તરફ વરસાદની ઘટ ના કારણે નરસિંહ મહેતા સરોવર ખાલી ખમ થયો હતો . જેના કારણે ઝાંઝરડા અને જોષીપરામા પાણીની કપરી પરિસ્થિતિ થવાની સંભાવના હતી. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે .જેથી કાળવામાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કાળવા પર આવેલ દરવાજો ખોલવામાં આવતા નરસિંહ મહેતા સરોવરમાં પુષ્કળ પાણીની આવક શરૂ થઈ છે. સતત ત્રણથી ચાર દિવસ સુધી પાણીની આવક ચાલુ રહેશે તો નરસિંહ મહેતા સરોવર છલોછલ થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application