છોટીકાશી જામનગરમાં આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશચર્તુથીના ૧૧ દીવસના ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ઠેર-ઠેર પંડાલો તથા ઘરોમાં વિઘ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિઓની ભાવભેર સ્થાપના કરવામાં આવી છે. ડીજે અને ઢોલ-નગારાના તાલે, અબીલ-ગુલાલની છોળ વચ્ચે ગણપતિબાપ્પા મોરિયાના નાદ સાથે દૂંદાળાદેવની પધરામણી થઇ હતી. ચાલુ વર્ષે પંડાલોમાં ભગવાન લંબોદરની ઇકો ફ્રેન્ડલી આકર્ષક અને અદભૂત મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્વ બનશે. ગણેશ મંડળો દ્રારા પંડાલોમાં રોશનીના શણગાર અને ફૂલ સહીતની સજાવટ કરવામાં આવી છે. ૧૧ દીવસ ચાલનારા ગણેશોત્સવ દરમ્યાન ઠેર-ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગર નજીક આવેલા સુપ્રસિઘ્ધ સપડેશ્ર્વર સિઘ્ધિ વિનાયક મંદીરનું આગવું મહત્વ હોય ગઇકાલે રાત્રીના મોટી સંખ્યામાં ભાવીકોએ પગપાળા જતાં માર્ગો પર દૂંદાળાદેવનો જયજયકાર ગુંજી ઉઠ્યો હતો.જામનગરથી ચાલીને ગયેલા ભાવીકોએ આજે સવારે ભગવાન ગજાનનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.