જૂનાગઢમાં મહાશિવરાત્રી પર મૃગીકુંડમાં શાહી સ્નાન દરમિયાન વિવાદ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું. વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલે સાધુ-સંતો વચ્ચે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. જેને લઈ સાધુ-સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્નાન બાદ કિર્તી પટેલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે વીડિયોમાં કેદ થઈ છે.
માહિતી મુજબ, શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તૈનાત હતી. કિર્તી પટેલ અને ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ દાવો કર્યો કે કિર્તી પટેલે પોલીસને કડક શબ્દોમાં ધમકી આપતાં કહ્યું, “હું આરોપી નથી હો, એના બાપનો કુંડ હોય તેમ વાહે વાહે ફરે છે.”
આ નિવેદન બાદ પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ હતી. જોકે, અન્ય ભક્તો અને વહીવટી તંત્રના હસ્તક્ષેપથી મામલો શાંત પાડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સમગ્ર ઘટનાની નોંધ લેવામાં આવી છે અને જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાએ ધાર્મિક પ્રસંગોમાં સુરક્ષા અને શિસ્ત જાળવવાના પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં મૂક્યા છે. સ્થાનિક તંત્રે ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા વધારાની વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી છે.