BREAKING NEWS

કીર્તિ પટેલ સામે સરકારની મોટી કાર્યવાહી: ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ભારતમાં લાગ્યો પ્રતિબંધ

  • July 27, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ૧.૩ મિલિયન (૧૩ લાખ)થી વધુ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામ પરના મુખ્ય આઈડી સિવાયના અન્ય એકાઉન્ટ્સ પર ભારત દેશ પૂરતો પ્રતિબંધ (બેન) મૂકી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ, ખંડણી અને ધાકધમકી આપવા સહિતના દસથી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે જેલની હવા પણ ખાઈ ચૂકી છે.


કીર્તિ પટેલ સામે અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ધમકીઓ આપવી તેમજ જાહેરમાં બદનામ કરવા જેવા ગંભીર કિસ્સાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સરપંચ અને તેમના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવા બદલ તેની સામે નવો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ દાખલ થયા બાદ કીર્તિ પટેલે પુણા પોલીસ સ્ટેશનની બહાર ભારે બૂમબરાડા પાડીને હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, તેણે આ સમગ્ર હંગામાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો.


પોલીસ અને વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલ દ્વારા સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને અન્ય લોકોને ધમકાવવાના અને બદનામ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને વિવિધ ફરિયાદો અને ગુનાઓના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની 'મેટા'ને સત્તાવાર રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. તંત્રના આ રિપોર્ટના આધારે મેટા દ્વારા કડક પગલાં ભરીને કીર્તિ પટેલના મુખ્ય એકાઉન્ટ સિવાયના અન્ય આઈડી પર ભારત પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


નવું ID બનાવીને કીર્તિ પટેલનો કટાક્ષ

પોતાના બે ઈન્સ્ટાગ્રામ આઈડી પર પ્રતિબંધ લાગ્યા બાદ કીર્તિ પટેલે તાત્કાલિક નવું આઈડી બનાવીને સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, હું યુ.કે., લંડન, કેનેડા, યુએસએ, દુબઈ... આઈ એમ ફોરેનર ભૂરી, યુ નો!" પોતાના લોકેશન અંગે સ્પષ્ટતા કરતા તેણે ઉમેર્યું હતું કે, "હું એક ભારતીય નાગરિક છું, પરંતુ અત્યારે ભારતમાં હોવા છતાં પણ ઈન્ડિયાના લોકેશન પર નથી. હું અત્યારે એક રીતે ફોરેનર જેવી લાઈફ જીવી રહી છું. તમે મને ભારતમાંથી એક પ્રકારે વિદેશ મોકલી દીધી હોય તેવું લાગે છે, તે બદલ તમારો આભાર!"


૨૪ કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાની ચીમકી

પોતાના વિરોધીઓ અને તંત્ર સામે આક્રમક વલણ અપનાવતા કીર્તિ પટેલે ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું હતું કે, હવે તે રાત-દિવસ એક કરી દેશે અને ૨૪ કલાક સોશિયલ મીડિયા પર સક્રિય રહેશે. તેણે કહ્યું કે, "હવે હું ૨૪એ ૨૪ કલાક લાઈવ આવીને ધમાકો બોલાવીશ, કેમ કે તમે મને શાંત રહેવા ન દીધી અને હવે મારે ચૂપ રહેવું નથી." આ ઘટના બાદ સોશિયલ મીડિયા વર્તુળોમાં અને પોલીસ તંત્રમાં ફરી એકવાર ચર્ચાઓ ગરમાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application