પિતાને તેના પિતા પાસેથી વસિયતથી મિલ્કત મળેલી હોય તો તે વડીલોપાર્જિત વારસાઈ મિલ્કત ગણી શકાય નહિ અને સંતાનોને આવી મિલ્કતમાં કોઈ વારસાઈ હક્ક પ્રાપ્ત થતો નથી, તેવી રજૂઆત બાદ કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામની મિલ્કત સંબંધે પુત્ર અને પુત્રીએ પિતા સામે ભાગ મેળવવા કરેલો દાવો અદાલતે રદ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, કોટડા સાંગાણી સિવિલ કોર્ટમાં હંસાબા દિલીપસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાએ પિતા દિલીપસિંહ મુળરાજસિંહ જાડેજા તથા તેમની પાસેથી મિલ્કત ખરીદનારાઓ સામે દાવો કર્યો હતો કે શાપરના રે.સ. નં. 48/2 અને 51ની જમીન વડીલોપાર્જિત છે અને પિતા દિલીપસિંહને દાદા મુળરાજસિંહ પાસેથી મળેલી છે, તેથી વારસ તરીકે પોતાનો હક્ક છે. દિલીપસિંહે હયાતીમાં જ આ મિલ્કત પ્રવીણભાઈ ટીલવા અને કેશુભાઈ કોરાટને વેચી દીધી હતી અને તેમણે બિનખેતી કરાવી પ્લોટો વેચ્યા હતા, જેથી તમામ ખરીદનારાઓને પક્ષકાર બનાવાયા હતા. દાવો પુરાવા પર આવતા કોર્ટે મિલ્કત વડીલોપાર્જિત છે કે કેમ તે પ્રાથમિક મુદ્દો નક્કી કર્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળી હિન્દુ વારસાઈ ધારાની કલમ 6 અને 8 તથા રેવન્યુ રેકર્ડ ધ્યાને લઈ કોર્ટ એવા તારણ પર આવી હતી કે મિલ્કત મૂળ મુળરાજસિંહ પ્રભાતસિંહ જાડેજાના નામે હતી અને તેમણે બે પુત્રો બહાદુરસિંહ અને દિલીપસિંહને વસિયતનામા દ્વારા આપી હતી, ત્યારબાદ વહેંચણી કરી અલગ કરાઈ હતી. આ મુદ્દે પ્રતિવાદીઓના એડવોકેટ અર્જુન પટેલે ગુજરાત હાઈકોર્ટના નચીકેતા કાનજીભાઈ પટેલ વિ. કાંતીભાઈ ઈશ્વરભાઈ પટેલના તાજેતરના ચુકાદાના પેરા 10 થી 12, 13 થી 15, 17, 20, 23, 24, 44, 46, 57 થી 61, 72, 75, 76, 81, 82, 90, 91 અને 93 ટાંકી દલીલ કરી હતી કે આ મિલ્કત વડીલોપાર્જિત ગણી શકાય નહિ. દિલીપસિંહ સ્વતંત્ર માલિક બન્યા છે અને હયાતીમાં વારસોની સંમતિ વગર વેચાણનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે, તેથી વેચાણ કાયદેસર છે અને સંતાનો તેને પડકારી શકે નહિ, લાગ ભાગ માંગી શકે નહીં. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી વાદીઓને દાવો લાવવાનું કોઈ કારણ નથી તેમ ઠરાવી દાવો રદ કર્યો હતો. આ કેસમાં પ્રતિવાદી વતી એડવોકેટ અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા અને રવિન એન. સોલંકી રોકાયા હતા.