BREAKING NEWS

સુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો

  • July 31, 2026 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. ડુંભાલ વિસ્તારમાં આવેલી 'કુશલ દર્શન વાટીકા'નો ફ્લેટ નં. 203 ભાડે રાખ્યા બાદ, કીર્તિ પટેલે ભાડું ન ચૂકવીને વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મકાનમાલિકે ફ્લેટ ખાલી કરાવવા રજૂઆત કરતા કીર્તિ પટેલે "બીજીવાર આવ્યા તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હોવાથી ગભરાયેલા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.આ ઘટના સંદર્ભે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. મળતી વિગતો અનુસાર, ડુંભાલની પંચવટી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કિર્તીભાઈ પટેલે ડુંભાલ સ્થિત 'કુશલ દર્શન વાટીકા'ના બીજા માળે આવેલો ફ્લેટ નં. 203 વર્ષ 2016માં ખરીદ્યો હતો. વર્ષ 2019માં સોસાયટીના પ્રમુખની ઓળખાણથી કીર્તિ રણછોડભાઈ પટેલને માસિક રૂ. 9,500ના ભાડાથી આ ફ્લેટ આપ્યો હતો. જોકે, કીર્તિ પટેલે ભાડાકરાર માટે જરૂરી આધારકાર્ડ આપ્યું નહોતું અને સતત વાયદાઓ કરતી રહી હતી. આ દરમિયાન અંદરોઅંદરની મારપીટના એક ગુનામાં કીર્તિ પટેલ જેલમાં ગઈ હતી. જેલમાંથી છૂટીને આવ્યા બાદ મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિએ રૂબરૂ મળી ફ્લેટ ખાલી કરવા જણાવતાં તેણે પહેલાં તો બીજું મકાન શોધવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ કોરોના મહામારીનું કારણ ધરી ભાડું પણ આપ્યું નહોતું. મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિ અવારનવાર ફ્લેટ ખાલી કરાવવા માટે જતાં ત્યારે કીર્તિ પટેલે પોતાની અસલી દાદાગીરી બતાવી હતી. તેણે મકાનમાલિકને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ મકાનનું લાઈટબિલ હું ભરું છું, એટલે ફ્લેટ ખાલી કરવાની નથી. તમારાથી જે થાય તે કરી લો. જો બીજીવાર ફ્લેટ ખાલી કરાવવા આવશો તો તમને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ગભરાઈ ગયેલા મકાનમાલિકે આખરે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા. કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે સુરતની પુણા પોલીસે મંજુલાબેનની ફરિયાદના આધારે 'ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020'ની કલમ 4(3), 5(ચ) તથા ઇ.પી.કો. કલમ 506(2) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી આગળની તપાસ 'બી' ડિવિઝનના એસીપી પી.કે. પટેલને સોંપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application