રાજકોટ ખાતે હાઇકોર્ટ બેંચની સ્થાપનાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને હવે વધુ વેગ આપવા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ બાર એસોસિએશનોએ સંગઠિત લડતનો માર્ગ અપનાવ્યો છે. આ ઝુંબેશને માત્ર વકીલાત જગત પૂરતી મર્યાદિત ન રાખી સામાન્ય જનતા સુધી પહોંચાડવાના નિર્ણયના ભાગરૂપે બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લા અને તાલુકા મથકો પર વકીલો એક દિવસ કોર્ટના કામકાજથી અલિપ્ત રહી પ્રતીક હડતાળ પાડશે.
કાર્યક્રમ મુજબ સવારે 10:45 કલાકે તમામ વકીલો પૂર્ણ ડ્રેસ કોડમાં એકત્રિત થઈ કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર સહિત સંબંધિત વહીવટી અધિકારીઓને હાઇકોર્ટ બેંચની સ્થાપનાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરશે. રાજકોટમાં બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલના નેતૃત્વમાં વકીલોનું પ્રતિનિધિમંડળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.
વકીલ આગેવાનોના જણાવ્યા મુજબ, હાઇકોર્ટ બેંચની માંગ છેલ્લા ત્રણ દાયકાથી સતત ઉઠતી રહી છે. હવે આ લડતને લોકઆંદોલનનું સ્વરૂપ આપવા માટે આગામી દિવસોમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ વિસ્તારના તમામ ધારાસભ્યો, સાંસદો, મેયર, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને પણ લેખિત રજૂઆતો કરી આ માંગને વ્યાપક જનસમર્થન અપાવવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.