BREAKING NEWS

ડોક્ટરના મૃત્યુ બાદ કરોડોની સંપત્તિ મામલે પત્ની-પુત્રી અને કામવાળી વચ્ચે કાનૂની જંગ, જાણો વડોદરાના કેસનો સમગ્ર મામલો

  • November 02, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરા અને રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસર તરીકે લાંબી સેવા આપી ચૂકેલા એક ડોક્ટરના અવસાન બાદ તેમની કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત મેળવવા માટે પત્ની, પુત્રી અને ઘરમાં કામ કરતી મહિલા વચ્ચે મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં વર્ષ 2019માં ટ્રાયલ કોર્ટે પત્ની અને પુત્રીનો દાવો રદ કર્યો હતો, જેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવતા કોર્ટે સમગ્ર મામલો પુનઃ ટ્રાયલ કોર્ટમાં પરત મોકલીને ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રોફેસરના લગ્ન 1982માં થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્રી છે. લગ્નજીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને મનસ્વી ઝઘડાઓ થતા હોવાથી પ્રોફેસરે અદાલતમાં છૂટાછેડા માટે દાવો કર્યો હતો, જ્યારે પત્નીએ ભરણ પોષણની માગણી કરતા અદાલતે માસિક રૂપિયા 4000 ભરણ-પોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. દરમિયાનમાં, વર્ષ 2010માં પ્રોફેસરનું દુઃખદ અવસાન થતાં તેમની મિલકતોને લઈને વિવાદ વકર્યો હતો. પત્ની અને પુત્રીએ દાવો કર્યો હતો કે કાયદેસરના વારસદાર હોવાથી ગ્રેજ્યુએટી, પીએફ, પેન્શન, એલઆઈસી પૉલિસી તેમજ વડોદરાના પ્રતાપનગર, નિઝામપુરા અને માંજલપુર ખાતે આવેલી ત્રણ સ્થાવર મિલકતો પર તેમનો જ હક છે.

આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પ્રોફેસરથી અલગ રહેતી કામવાળી મહિલાએ દાવો કર્યો કે તે પ્રોફેસર સાથે પત્ની તરીકે રહેતી હતી અને તેમની બીમારી તથા વૃદ્ધાવસ્થામાં સેવા-ચાકરી કરતી હતી. તેના જણાવ્યા મુજબ, પ્રોફેસર તેની સેવાઓથી પ્રભાવિત થઈને પોતાની હયાતીમાં સબ-રજિસ્ટ્રાર સમક્ષ કાયદેસરનું રજિસ્ટર્ડ વિલ કરી ગયા હતા, જેમાં તમામ મિલકતો તે મહિલાના નામે કર્યાનો દાવો કરાઈ રહ્યો છે. આ વસિયતનામાના સમર્થનમાં કોર્ટમાં વીડિયો-ડીવીડી પુરાવા પણ રજૂ કરાયા છે, સાથે જ વીમા પૉલિસીમાં પણ તેનું નામ નોમિની તરીકે હોવાનો આક્ષેપ છે.

અગાઉની કાર્યવાહી દરમિયાન પત્નીએ સોગંદનામું રજૂ કર્યા બાદ ઉલટતપાસ માટે કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે તેમનો પુરાવા રજૂ કરવાનો હક બંધ કરી દીધો હતો. પરિણામે, ટ્રાયલ કોર્ટે પૂરતા પુરાવાના અભાવે મૂળ દાવો રદ કર્યો હતો. આ ચુકાદા સામે પત્ની અને પુત્રીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે કેસ ફરીથી ટ્રાયલ કોર્ટમાં મોકલીને નવેસરથી સુનાવણીનો આદેશ આપ્યો છે.

આ કાનૂની જંગમાં વાદી પક્ષ તરીકે પત્ની અને પુત્રી લડી રહ્યા છે, જ્યારે પ્રતિવાદી પક્ષમાં રાજ્ય સરકાર, કોલેજ ડીન, સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ, પીએફ કમિશનર, એલઆઈસી, બિરલા સન લાઈફ અને કામવાળી મહિલા પક્ષકાર છે. સરકારી વિભાગો અને વીમા કંપનીઓએ અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેકોર્ડ પરના દસ્તાવેજો મુજબ અદાલતના અંતિમ આદેશનું પાલન કરવા તૈયાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application