મેક્સિકોમાં અમદાવાદની જેમ વિમાન બિલ્ડિંગ સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ગુમ છે.
વિમાને એક ફૂટબોલ ફિલ્ડ પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નજીકની એક ફેક્ટરીની મેટલ છત સાથે અથડાઈ ગયું, જેના કારણે આગ લાગી ગઈ. આગને કારણે વિસ્તારના લગભગ 130 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે, અને પ્રારંભિક અહેવાલોમાં એન્જિન ફેલિયરની વાત કહેવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રાઇવેટ જેટમાં 8 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર હતા. હાલમાં 7 લોકોના મૃતદેહ મળ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.
મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શન કોઓર્ડિનેટર એડ્રિયન હર્નાન્ડેઝે દુર્ઘટનાની જાણકારી આપી છે. આ દુર્ઘટના મેક્સિકો સિટીથી લગભગ 50 કિલોમીટર પશ્ચિમમાં આવેલા સાન માટિયો એટેન્કોમાં થઈ હતી, જે ટોલુકા એરપોર્ટથી 5 કિમી દૂર એક ઔદ્યોગિક વિસ્તાર છે. વિમાને મેક્સિકોના પ્રશાંત કિનારે આવેલા અકાપુલ્કોથી ઉડાન ભરી હતી. હર્નાન્ડેઝે જણાવ્યું કે વિમાનમાં 8 મુસાફરો અને 2 ક્રૂ રજિસ્ટર્ડ હતા. જોકે, ઘણા કલાકો વીતી ગયા પછી પણ 7 મૃતદેહો મળી આવ્યા છે.
હર્નાન્ડેઝે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે પ્રાઈવેટ જેટે કટોકટીમાં એક ફૂટબોલ મેદાન પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નજીકની એક ફેક્ટરીની છત સાથે અથડાઈ ગયું, જેના કારણે ભીષણ આગ લાગી ગઈ. તેમણે કહ્યું કે દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સેન માટિયા એટેન્કોના મેયર એના મુનિઝે મિલેનિયો ટેલિવિઝનને જણાવ્યું કે આગ લાગવાના કારણે અધિકારીઓએ સુરક્ષાના પગલાં તરીકે આસપાસના વિસ્તારમાંથી લગભગ 130 લોકોને બહાર કાઢ્યા છે.
પાયલોટે ઇમરજન્સીનો મેસેજ મોકલ્યો
રિપોર્ટ્સ અનુસાર, આ વિમાન સેસના 650 સાઇટેશન III હતું, જેનું રજીસ્ટ્રેશન XA-PRO હતું. તેને સર્વિસીસ એરોસ એસ્ટ્રેલા ઓપરેટ કરતી હતી. ટકરાવાના થોડા સમય પહેલા પાયલટે એરપોર્ટ કંટ્રોલ ટાવરને એક ઇમરજન્સી મેસેજ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે વિમાન નીચે પડી રહ્યું છે. થોડી જ સેકન્ડ પછી એક મોટો ધડાકો થયો, જેના પછી આગ લાગી ગઈ. કાળા ધુમાડાનો એક ઊંચો ગુબ્બારો ઉઠ્યો જે ઘણા કિલોમીટર દૂરથી દેખાઈ રહ્યો હતો.