BREAKING NEWS

રાજકોટ વોર્ડ નં.૧૦માંથી ચૂંટણી લડવા ભાજપમાં દાવેદારોની લાઈન, દાવેદારી નોંધાવનારાઓનું જુઓ લિસ્ટ

  • March 26, 2026 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ગઢ સમા રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૦માંથી ચૂંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોની લાંબી લાઇન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. અનામતના રોસ્ટર ઉપરાંત પક્ષનો ચર્ચાતો ક્રાઇટેરિયા લાગુ થાય તો ચેતન સુરેજા, નિરૂભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા અને ડો.રાજશ્રીબેન ડોડીયા સહિત ચારમાંથી કોઇ ચૂંટણી ન લડી શકે તેવી સ્થિતિ છે. હાલની સ્થિતિએ જ ચાર બેઠક માટે અંદાજે એકાદ ડઝનથી વધુ નામો ચર્ચામાં છે. જ્યારે સેન્સ લેવાશે ત્યારે દાવેદારોની સંખ્યા કદાચ બે ડઝનથી વધી જાય તો નવાઇ રહેશે નહીં.


પોશ રહેણાંક વિસ્તાર વોર્ડ નં.૧૦ની વસ્તી હાલની સ્થિતિએ ૬૫,૯૬૩ છે. પ્રાથમિક મતદાર યાદી મુજબ વોર્ડમાં મતદારોની કુલ સંખ્યા ૪૮,૮૦૨ છે જેમાં ૨૪,૬૦૬ પુરુષ અને ૨૪,૧૯૬ સ્ત્રી મતદારો છે. ફેબ્રુઆરી-૨૦૨૧માં યોજાયેલી ગત ચૂંટણીમાં કુલ ૫૪,૫૮૩ મતદારો હતા જેમાંથી ૨૭,૧૩૨એ મતદાન કરતા ૫૦.૦૪ ટકા મતદાન થયું હતું.


વોર્ડ નં.૧૦માં હાલ અનામતનું જે રોસ્ટર આવ્યું છે તે મુજબ સ્ત્રીઓ માટેની બન્ને બેઠક સામાન્ય છે, જ્યારે પુરુષો માટેની બે બેઠકમાં એક બેઠક પછાત વર્ગ પુરૂષ અનામત અને એક બેઠક સામાન્ય છે. આ વોર્ડમાં ગત ટર્મમાં ઓબીસી મહિલા ડો.રાજેશ્રીબેન ડોડિયાને ટિકિટ અપાઇ હતી પરંતુ આ વખતે ઓબીસી પુરુષ અનામત લાગુ થતા ભાજપ તેમને ટિકિટ નહીં આપે તેવી ચર્ચા છે. અન્ય એક બેઠક સામાન્ય મહિલા માટે હોય તે બેઠક માટે જ્યોત્સનાબેન ટીલાળાએ દાવેદારી યથાવત રાખી છે તેમ છતાં લેઉવા પાટીદાર સમાજમાંથી આ વખતે અન્ય દાવેદારો પણ રેસમાં છે. પુરુષ માટેની બે બેઠકમાંથી એક બેઠક ઓબીસી પુરુષ અનામત આવતા ચેતન સુરેજા અથવા નિરુભા વાઘેલા બન્નેમાંથી એક ને જ ટિકિટ આપી શકાય તેવી સ્થિતિ છે. અનામતનું રોસ્ટર ચેતન સુરેજાને નડે તેમ નથી પરંતુ જો ભાજપ ૬૦ વર્ષથી વધુ વયનાં ઉમેદવારને ટિકિટ નહીં આપવાનો ક્રાઈટેરિયા લાગુ કરે તો સુરેજાને તાજેતરમાં જ ૬૦ વર્ષ પૂર્ણ થયા હોય તેમને ટિકિટ ન મળે તેવું બની શકે છે. જ્યારે નિરુભા વાઘેલાને પણ સમયાંતરે કુલ ત્રણ ટર્મ પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ વખતે કડવા પાટીદાર સમાજમાંથી પણ વધુ માત્રામાં અને વધુ આક્રમકતા સાથે દાવેદારો સામે આવ્યા છે.આ પ્રકારના સંજોગોમાં વોર્ડ નં.૧૦માં ત્રણ અથવા તો ચારેય ઉમેદવારોને બદલી નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવું બનવા સંભવ છે.


એકંદરે આ વોર્ડ નં.૧૦એ પોશ રહેણાંક વિસ્તારોનો સુવિકસિત વોર્ડ હોય આ વોર્ડમાં ખાસ કોઇ સમસ્યા કે પ્રશ્નો નથી. પબ્લિકના ફોન કોલ્સ રીસીવ કરવા અને ગ્રીવન્સનું મોનિટરીંગ કરવા સિવાય ચૂંટનારે ખાસ કંઇ કરવાનું રહેતું નથી. આવા કારણોસર પણ આ વોર્ડમાં ભાજપમાંથી ચૂંટણી લડવા સૌ આતુર છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વોર્ડમાં પાણીની ફરિયાદો તેમજ રખડું કૂતરાના ત્રાસની વ્યાપક ફરિયાદો રહી હતી. આ વોર્ડમાં કોંગ્રેસ લડવા સક્ષમ હોય તેવા ઉમેદવારો શોધી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી પાટીદાર અને યુવાન ચહેરાને ટિકિટ આપવા ઉત્સુક હોવાનું ચર્ચાય રહ્યું છે.


દાવેદાર તરીકે ચર્ચાતા નામો

ચેતન સુરેજા, નિરૂભા વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, ધર્મેન્દ્રભાઇ ભગત, મયુરીબેન ભાલાળા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, વિજયભાઇ પાડલીયા, રજનીભાઇ ગોલ, મનિષભાઇ ડેડકિયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, હરેશભાઇ કાનાણી અથવા તેમના પરિવારમાંથી કોઇ, એક જાણીતા રઘુવંશી મહિલા અગ્રણી


જ્ઞાતિવાઇઝ અંદાજે મતદારો

રાજકીય કાર્યકરોના અંદાજ મુજબ, વોર્ડ નં.૧૦માં કડવા પાટીદાર અંદાજે ૧૨,૦૦૦,  લેઉવા પાટીદાર અંદાજે ૧૦,૦૦૦, ઓબીસી અંદાજે ૭૦૦૦, ક્ષત્રિય અંદાજે ૫૫૦૦, લોહાણા અંદાજે ૫૦૦૦, બ્રાહ્મણ અંદાજે ૫૦૦૦ તેમજ જૈન વણિક અંદાજે ૨૫૦૦થી ૩૦૦૦


વોર્ડના મુખ્ય વિસ્તારો-સોસાયટીઓ

કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, નિર્મલા રોડ,  સૌરાષ્ટ્ર કલા મેઇન રોડ, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, પુષ્કરધામ રોડ, સત્યસાંઇ માર્ગ, નાના મવા રોડ, મોટા મવા રોડ વિગેરે. જ્યારે વોર્ડની મુખ્ય સોસાયટીમાં શાંતિનિકેતન, રોયલ પાર્ક, શિવ સંગમ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, જલારામ-૧, જલારામ-૨, પારસ, પ્રકાશ, તિરૂપતિ, બાલમુકુંદ, કૈલાસ નગર, અમૃતા, આર.કે.નગર, વૃંદાવન, પુષ્કરધામ, આલાપ હેરિટેજ, વિષ્ણુ વિહાર, સદગુરૂ નગર, સરિતા વિહાર, રૂડા નગર, એ.જી.સોસાયટી, ગંગોત્રી પાર્ક વિગેરે સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application