પોતાના સપનાનું ઘર બનાવવાની ઈચ્છા રાખતા લોકોને લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેતી એક નકલી લોન કંપનીનો પર્દાફાશ થયો છે. છત્તીસગઢના અંબિકાપુરમાં બનેલી આ ઘટનામાં એક ભેજાબાજે "તમે ૬૦% રકમ જમા કરો, બાકીના હપ્તા અમારી કંપની ભરશે" તેવી લોભામણી સ્કીમ બતાવીને લોકો સાથે અંદાજે ૩ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
કેવી રીતે રચાયો છેતરપિંડીનો આ ખેલ?
આ સમગ્ર મામલો સરગુજા જિલ્લાના ગાંધીનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આરોપી શિવશંકર દાસે 'અનશિવઆર્યા ફાઉન્ડેશન ગ્રુપ' નામે એક નકલી સંસ્થા શરૂ કરી હતી. તે જરૂરિયાતમંદ લોકોને સરળતાથી હોમ લોન અપાવવાનો દાવો કરતો હતો.તેની સ્કીમ મુજબ, બેંક જે લોન પાસ કરે તેના ૬૦ ટકા નાણાં ગ્રાહકે તેની કંપનીમાં ટ્રાન્સફર કરવાના રહેતા. બદલામાં બેંકના તમામ માસિક હપ્તા (EMI) આ કંપની પોતે ચૂકવશે તેવો ભરોસો અપાતો હતો. લોકોને લાગ્યું કે આનાથી સસ્તામાં ઘર બની જશે અને હપ્તા ભરવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.
શિક્ષિકા બની પ્રથમ શિકાર
બલરામપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના શિક્ષિકા દિવ્યા એક્કા પોતાના પ્લોટ પર ઘર બનાવવા માટે લોનની શોધમાં હતા. કોઈ પરિચિત દ્વારા તેમનો સંપર્ક શિવશંકર સાથે થયો. શિક્ષિકા આ આકર્ષક યોજનાની જાળમાં ફસાઈ ગયા.આરોપીએ વોટ્સએપ પર જરૂરી કાગળો મંગાવ્યા.બેંક ફોર્મ પર સહી કરાવીને અલગ-અલગ બેંકોમાંથી ૪૧ લાખ રૂપિયાની લોન પાસ કરાવી દીધી.લોન ખાતામાં આવતા જ દબાણ કરીને ૨૮ લાખ રૂપિયા પોતાની કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા.કોઈને શંકા ન જાય તે માટે આરોપીએ શરૂઆતના થોડા મહિના સુધી બેંકના હપ્તા પણ ભર્યા હતા. પરંતુ સમય જતાં જ્યારે હપ્તાઓ બંધ થયા અને બેંકની નોટિસ આવી, ત્યારે શિક્ષિકાને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
વેપારમાં નુકસાન થતાં બન્યો ગુનેગાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્કેમનો ભોગ બનનાર માત્ર એક શિક્ષિકા નથી, પરંતુ અન્ય ૯ લોકો પણ આ જ મોડસ ઓપરેન્ડીનો શિકાર બન્યા છે અને કુલ ૩ કરોડથી વધુની રકમ ગુમાવી ચૂક્યા છે.પકડાયેલા આરોપી શિવશંકરે કબૂલાત કરી છે કે તે પહેલાં ક્રશર (પથ્થર તોડવાનો બિઝનેસ) ચલાવતો હતો. તે ધંધામાં મોટું નુકસાન થતાં દેવું ચૂકવવા અને પૈસા કમાવવા માટે તેણે આ નકલી લોન સ્કીમનું નેટવર્ક ઊભું કર્યું હતું. હાલમાં પોલીસ આ ગુનામાં સામેલ તેના અન્ય સાથીદારો અને બેંક ખાતાઓની ઊંડી તપાસ કરી રહી છે.