BREAKING NEWS

વલસાડમાં મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતર્યું: મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, પછી થયું આવું

  • July 28, 2026 03:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (૨૮મી જુલાઈ) વહેલી સવારે એક મોટી રેલ દુર્ઘટના બનતા-બનતા અટકી ગઈ હતી. વિરારથી ભરૂચ તરફ જઈ રહેલી મેમુ પેસેન્જર ટ્રેન ભિલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-એક પર આવીને ઊભી રહે તે પહેલાં જ અનિચ્છનીય રીતે તેનું એન્જિન પાટા પરથી નીચે ખડી પડ્યું હતું. એન્જિન પાટા પરથી ઊતરી જતાં જ જોરદાર આંચકો અનુભવાયો હતો, જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ટ્રેનની સ્પીડ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઈજા થઈ ન હતી.

મળતી માહિતી અનુસાર, વહેલી સવારે નિયમ મુજબ વિરાર-ભરૂચ મેમુ ટ્રેન ભિલાડ સ્ટેશને પહોંચી રહી હતી. પ્લેટફોર્મ પર ટ્રેન સંપૂર્ણ ઊભી રહે તે પહેલાં જ અચાનક એન્જિનના વિલ પાટા પરથી નીચે ઊતરી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રેલવે પોલીસ અને ટેકનિકલ એન્જિનિયરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રેલવે તંત્ર દ્વારા તાબડતોબ ક્રેન અને જરૂરી સાધનોની મદદથી એન્જિનને પુનઃ પાટા પર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો કે ટ્રેકની કોઈ સમસ્યા હતી, તે દિશામાં રેલવે વિભાગ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.

આ દુર્ઘટનાના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો વ્યસ્ત રેલ વ્યવહાર આંશિક રીતે ખોરવાઈ ગયો હતો. પ્લેટફોર્મ અને ટ્રેક બાધિત થવાના કારણે મુંબઈ તરફથી આવતી અને જતી અનેક મહત્વપૂર્ણ ટ્રેનો અટવાઈ પડી હતી. જેમાં દેશની પ્રીમિયમ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ઉપરાંત શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી. મુખ્ય રૂટ પર ટ્રેનો ખોરવાઈ જતાં વહેલી સવારે અપડાઉન કરતા દૈનિક નોકરીયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરો વિવિધ સ્ટેશનો પર કલાકો સુધી અટવાઈ પડ્યા હતા, જેના કારણે લોકોને ભારે આર્થિક અને સમયસર પહોંચવાની હાલાકી ભોગવવી પડી હતી.

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની સિઝનને કારણે રેલ તંત્ર માટે પડકારો વધી રહ્યા છે. હજુ થોડા દિવસો અગાઉ જ વલસાડના પારડી અને ઉદવાડા વચ્ચે આવેલા ખડકી નજીક ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક નજીકથી માટી ધસી પડી હતી. તે સમયે પણ ટ્રેન વ્યવહારને નુકસાન પહોંચ્યું હતું અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application