રાજ્યના વહીવટી માળખાને વધુ કાર્યક્ષમ અને ગતિશીલ બનાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા સચિવાલય સ્તરે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેમાં શિક્ષણ, ઉર્જા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ટોચના હોદ્દાઓ પર નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

સમગ્ર શિક્ષા અભિયાન અને GERC માં નવી નિમણૂકો
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ૨૦૦૫ ની બેચના આઈએએસ અધિકારી શ્રી રણજીત કુમાર જે., જેઓ અત્યાર સુધી ગાંધીનગર ખાતે 'સમગ્ર શિક્ષા અભિયાન'ના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે સેવા આપતા હતા, તેમની બદલી કરવામાં આવી છે. તેઓને હવે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ મુકવામાં આવ્યા છે, જ્યાં તેઓ ગાંધીનગર સ્થિત ગુજરાત વિદ્યુત નિયમન આયોગ (GERC) ના સચિવ તરીકે પૂર્ણકાલીન જવાબદારી સંભાળશે. અગાઉ તેઓ આ પદનો વધારાનો હવાલો સંભાળતા હતા.
બીજી તરફ, ૨૦૦૯ ની બેચના આઈએએસ અધિકારી શ્રી નાગરાજન એમ., જેઓ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. તેઓને શ્રી રણજીત કુમાર જે. ના સ્થાને 'સમગ્ર શિક્ષા અભિયાન'ના નવા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સુરતમાં કલેક્ટરને કમિશનરનો વધારાનો પ્રભાર
સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની જગ્યા ખાલી પડતાં, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, ૧૯૪૯ ની કલમ ૩૯ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ૨૦૧૬ ની બેચના આઈએએસ અધિકારી અને સુરતના વર્તમાન કલેક્ટર શ્રી તેજસ દિલીપભાઈ પરમારને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેનો વધારાનો પ્રભાર (Additional Charge) સોંપવામાં આવ્યો છે. તેઓ શ્રી નાગરાજન એમ. ની જગ્યાએ સુરત મહાનગરપાલિકાનો વહીવટ સંભાળશે.