મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આકલિયા ગામમાં ચાંદીપુરા વાયરસના કારણે એક માસૂમ બાળકીનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઘટના બાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને વાયરસના સંભવિત ફેલાવાને અટકાવવા માટે ગામમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આરોગ્ય તંત્ર દ્વારા સર્વે અને દવાનો છંટકાવ
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલિયા પોતાની ટીમ સાથે આકલિયા ગામ પહોંચ્યા હતા. આરોગ્ય ટીમો દ્વારા ગામના ઘરેઘરે જઈને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, ઉલટી કે બેભાન થવા જેવાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો છે કે નહીં તેની ઘન તપાસ કરવામાં આવી રહી છે. આ વાયરસ મુખ્યત્વે કાચાં મકાનો, દીવાલોની તિરાડો અને માટીમાં વસતી રેતીમાખી (સેન્ડફ્લાય) દ્વારા ફેલાતો હોવાથી તંત્ર દ્વારા લીંપણ તથા માટીના મકાનો સહિત સમગ્ર ગામમાં જંતુનાશક દવાનો વિશેષ છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
દુઃખી પરિવારની મુલાકાત અને સાંત્વના
જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલિયાએ મૃતક બાળકીના ઘરે પહોંચીને શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે પરિવારજનો સાથે સાંત્વના વ્યક્ત કરી સાવચેતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગામજનોને સાવચેત રહેવા અપીલ
આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં ખાસ જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. લોકોને આસપાસ સ્વચ્છતા જાળવવા, બાળકોને ફુલ કપડાં પહેરાવવા અને ઘરની આસપાસ ગંદકી કે માટીના ઢગલા ન થવા દેવા સમજાવવામાં આવ્યું છે. આ સાથે જ જો કોઈ બાળકને અચાનક સખત તાવ આવે કે સ્વાસ્થ્ય લથડે, તો સેલ્ફ-મેડિકેશન કરવાને બદલે તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
હાલમાં આકલિયા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા રાઉન્ડ ધ ક્લોક દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી અન્ય બાળકોમાં આ સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.