ગોંડલના નવાગામના રહેતા પરિણીત કારખાનેદાર ત્યકતાને ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર ત્યકતાના ઘરે, આર્યકલબ રિસોર્ટ અને નોવા હોટેલમાં દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દિધો હતો. બે મહિના પહેલા ગર્ભ પડાવી નાંખી નરાધમે છેલ્લે લગ્નની ના પાડી દેતાં ત્યકતા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઇ પુછતાછ કરતા આરોપી બે સંતાનનો પિતા હોવાનું પણ સામે આવ્યું છે.
બનાવ અંગે પીડિતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ગોંડલના નવાગામમાં રહેતાં કારખાનેદાર સંજય મનસખુ કંડોલીયા (ઉ.વ.૩૮) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે પોતે શોપ ચલાવી વેપાર કરે છે. તેમના વર્ષ ૨૦૨૦ માં છુટાછેડા થઇ ગયા હતાં. તેમને એક નવ વર્ષનો પુત્ર છે. સંતાનના ઉછેર માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન પરીચીતને વાત કરી કોઇ સારો યુવાન હોય તો જાણ કરવા કહ્યું હતું.
બનાવ અંગે પીઆઇ આર. જી. પઢીયારે ફરિયાદને ટાંકી વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં આ મહિલાનો સંપર્ક ગોંડલ નવાગામના સંજય કંડોલીયાએ કર્યો હતો અને પોતે કારખાનેદાર હોવાનું અને લગ્ન કરવા ઇચ્છુક હોવાનું તેમજ અપરિણીત હોવાનું કહ્યું હતું. મહિલાએ તેની વાત પર વિશ્વાસ કરી વાતચીત શરૂ કરી હતી. બાદમાં સંજયે પોતે ખુબ જ પ્રેમ કરે છે અને ટુંક સમયમાં જ લગ્ન કરી લેશે તેવું કહી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં લગ્નની લાલચ આપી રાજકોટમાં મહિલાના ઘરે તેમજ કાલાવડ રોડ પર આવેલ આર્ય કલબ રિસોર્ટ અને નોવા હોટેલમાં તથા અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતાં.
ભોગ બનનાર મહિલા જ્યારે પણ લગ્ન કરવાનું કહે ત્યારે તે બહાના કાઢી વાત ફગાવી દેતો હતો. દરમિયાન તેણીને બે મહિનાનો ગર્ભ રહી જતાં ધાકધમકી આપીને ગર્ભપાત કરાવડાવી નાંખ્યો હતો. આ પછી તેણીને શંકા જતાં તપાસ કરતાં સંજય પરિણીત હોવાનું અને બે સંતાનનો પિતા હોવાની ખબર પડી હતી. ત્યારે પણ સંજયએ લગ્ન કરી લેશે તેવુ કહ્યું હતું. પણ છેલ્લે ગાળો દઇ ડરાવી ધમકાવી તરછોડી દીધી હતી અને લગ્નની ના પાડી દીધી હતી.
જેથી અંતે મહિલાને પોતાની સાથે દગો થયાનો અહેસાસ થતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર. જી. પઢીયાર તથા રાઇટર અરૂણાબેને ગુનો દાખલ કર્યો હતો. આરોપી સંજય કંડોલીયાને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે.