જામનગરના નાણાં ધીરધાર કરનારાઓએ જિલ્લા રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓ કચેરીએ વાર્ષિક ઓડિટેડ સરવૈયું તાત્કાલિક રજુ કરવા આદેશ
જામનગર જિલ્લામાં ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ, ૨૦૧૧ હેઠળ નોંધાયેલ તમામ નાણાં ધીરધાર કરનારાઓએ કલમ-૨૩ તથા તે અન્વયે ઘડાયેલ ગુજરાત નાણાં ધીરધાર નિયમો, ૨૦૧૩ ના નિયમ-૧૬ મુજબ, દરેક નોંધાયેલ નાણાં ધીરધાર કરનારે પોતાના ધંધાના હિસાબોનું વર્ષ દરમિયાનનું ઓડિટ કરાવી, ઓડિટ થયેલ અહેવાલ/વાર્ષિક સરવૈયું નિયત મુદતમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર મંડળીની કચેરી ખાતે ફરજિયાતપણે રજૂ કરવાનું હોય છે.
આમ છતાં, જિલ્લામાં નોંધાયેલ સંખ્યાબંધ નાણાં ધીરધાર કરનારાઓ દ્વારા પોતાનું વાર્ષિક ઓડિટેડ સરવૈયું નિયત મુદતમાં હજુ સુધી રજૂ કરવામાં આવ્યું ન હોવાથી, જિલ્લાના તમામ સંબંધિત નાણાં ધીરધાર કરનારાઓએ પોતાનું વાર્ષિક ઓડિટેડ સરવૈયું ૧૫ સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર મંડળીની કચેરી ખાતે રજૂ કરાવાનું રહશે. સમય મર્યાદામાં સરવૈયું રજૂ નહીં કરનાર નાણાં ધીરધાર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ, ૨૦૧૧ની સંબંધિત જોગવાઈઓ મુજબ નિયમાનુસારની શિક્ષાત્મક તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત નાણાં ધીરધાર કરનારની પોતાની રહેશે. વધુ વિગત માટે કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા drcsjamnagar@gmail.com પર સંપર્ક કરવા જિલ્લા રજિસ્ટ્રાર, સહકાર મંડળીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.