રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને નશાના નેટવર્કને તોડી પાડવામાં મહત્વની સફળતા સાંપડી છે. એસઓજીની ટીમે શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીકથી શંકાસ્પદ ટ્રક અટકાવ્યો હતો. ટ્રકમાં સ્ટીલના પાઇપની આડમાં ગાંજાના મોટા જથ્થાની હેરફેર થઈ રહી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા અંદરથી રૂપિયા 1.02 કરોડની કિંમતનો 204.900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે બે ટ્રકચાલકની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં રાજકોટના જંગલેશ્વર રહેતા રમીઝ ઉર્ફે માયો નામના શખસે મંગાવ્યો હતો અને મૂળ રાજકોટના રાજકોટના હડાળા ગામે રહેતા અમીત ઉર્ફે ગુરખાએ ઓરિસ્સાથી આ જથ્થો ટ્રકમાં મોકલ્યો હતો. પોલીસે ગાંજાનો આ જથ્થો ટ્રક સહિત રૂપિયા 1.55 કરોડનો મુદ્દામાલ કબજે કરી ગાંજાની હેરફેરમાં સામેલ અન્ય બંને શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દારૂ-ડ્રગ્સ સહિતના નશાનો વેપલો કરતી ટોળકી રાત્રિના સમયે હેરાફેરી કરતી હોય છે પણ ઝડપાયેલી ટોળકી અલગ મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હતી. રાત્રીના સમયે પોલીસ એકંદરે અલગ અલગ પોઇન્ટ પર તમામ વાહનો ચેક કરતી હોય ઝડપાયેલી ટોળકી દિવસ દરમિયાન સૂર્ય આથમે તે પૂર્વે જ જે-તે શહેરમાં વાહન ઘુસાવી દેતી હતી જેથી તેઓ પોલીસના ચેકીંગમાંથી બચી જતાં હતા.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત શહેરમાં માદક પદાર્થની હેરફેર અને સેવન કરનાર શખસો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જે સૂચનાના અનુસંધાને એસઓજી પીઆઇ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી. ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી માહિતી મળી હતી કે, રાજકોટ અમદાવાદ હાઈવે પરથી પસાર થનાર ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થના જથ્થાની હેરફેર થઈ રહી છે જે બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન ટ્રક નંબર જીજે 3 બીવી 5112 પસાર થતાં પોલીસે આ ટ્રક અટકાવ્યો હતો. ટ્રકમાં તપાસ કરતા અંદર સ્ટીલના પાઇપનો જથ્થો જોવા મળ્યો હતો પરંતુ બાતમી દ્રઢ હોય જેથી પોલીસે સઘન તપાસ કરતા અંદરથી 204.900 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલક મહંમદ ઉર્ફે કાળો હુસેનભાઇ ઉર્ફે કડી બાપુ સર્વદી (ઉ.વ.26 રહે. બાપાસીતારામ ચોક ઉપલેટા) અને અરબાઝ સલીમભાઈ સંધી (ઉ.વ.27 રહે. ભગવતીપરા સેફી પાર્ક બ્લોક નંબર 23) ને ઝડપી લઈ રૂપિયા 1.02 કરોડની કિંમતનો ગાંજાનો આ જથ્થો મોબાઈલ ફોન, ટ્રક સ્ટીલના પાઇપ સહિત રૂ. 1,55,73,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપાયેલા બંને શખસોની પૂછતાછ કરતા ગાંજાનો આ જથ્થો જંગલેશ્વરમાં રહેતા રમીઝ ઉર્ફે માયો રજાકભાઈએ મંગાવ્યો હોવાનું અને ઓરિસ્સાથી ગાંજાનો આ જથ્થો હડાળા ગામે મોરબી રોડ પર રહેતા અમિત ઉર્ફે ગુરખો નામના શખસે મોકલ્યાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે ચારેય શખસો સામે એરપોર્ટ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરાવી રમીઝ ઉર્ફે માયો અને અમીત ઉર્ફે ગુરખાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. માદક પદાર્થની હેરફેરમાં સામેલ અમિત ઉર્ફે ગુરખો અને રમીઝ ઉર્ફે માયો અગાઉ એનડીપીએસના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા હોવાનું માલુમ પડયું છે.
ટ્રક ચાલકોને એક ટ્રીપ માટે રૂપિયા 20,000 ચૂકવવાનું નક્કી થયું હતું
204.900 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા ટ્રકચાલક મોહમ્મદ રૂપે કાળો અને અરબાઝ સંધીને પોલીસે ઝડપી લીધા બાદ બંનેની પૂછતાછ કરતા ગાંજાનો જથ્થો મંગાવનાર રમીઝ ઉર્ફે માયો હોવાનું માલુમ પડ્યું હતું અને બંને ટ્રક ચાલકોને ઓરિસ્સાથી અહીં ગાંજો ટ્રકમાં લાવવા માટે એક ટ્રીપના રૂપિયા 20,000 ચૂકવવાનું નક્કી થયું હોવાનું માલુમ પડ્યું હતું. ઝડપાયેલા બંને શખ્સો અગાઉ બે વાર ગાંજાની ટ્રીપ મારી ચુક્યા છે અને ત્રીજીવાર આટલી મોટી માત્રામાં ગાંજાનોં જથ્થો લઈને આવતા ઝડપાયા હતા.
ગાંજો મંગાવનાર રમીઝ ઓરિસ્સાથી બગોદરા સુધી સાથે આવ્યો હતો
ગાંજાનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ એસઓજીની બંને શખસોની સઘન પૂછતાછ કરતા માલુમ પડ્યું હતું કે, ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી અમિત ઉર્ફે ગુરખાએ મોકલ્યો હતો અને જંગલેશ્વરના રમીઝ રૂપે માયાએ આ જથ્થો મંગાવ્યો હતો. એટલું જ નહીં રમીઝ ઓરીસાથી ટ્રકમાં સાથે જ હતો. પરંતુ બગોદરા પાસે તે ઉતરી ગયો હતો.