BREAKING NEWS

અમદાવાદમાં આઈટી કંપનીમાં ભીષણ આગઃ જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

  • November 03, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા થલતેજમાં આવેલા મેગ્નેટ પાર્ક કોમ્પ્લેક્સમાં આવેલી એક ખાનગી આઇટી કંપનીમાં રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનામાં જીવ બચાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળેથી નીચે કૂદવાના કારણે મૂળ રાજકોટના રહેવાસી યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.


બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ ખાંભલાના જણાવ્યા અનુસાર, મેગ્નેટ પાર્કમાં લાગેલી આગની આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવકનું નામ રચિત પટેલ છે, જે મૂળ રાજકોટનો વતની હતો અને હાલ અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પાસે પીજીમાં રહીને નોકરી કરતો હતો. આ ગંભીર અકસ્માત અને આગ લાગવાની ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.


આ ભયાનક આગની ઘટના થલતેજ વિસ્તારમાં રાત્રે અંદાજે ૯:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. મેગ્નેટ પાર્કના બીજા માળે આવેલી આઇટી કંપનીમાં અચાનક આગ લાગી ત્યારે તે ઓફિસની અંદર આશરે ૩૦ થી ૪૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. અચાનક આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને જીવ બચાવવા માટે લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જોકે, દુર્ભાગ્યવશ નીચે ઉતરવા માટે માત્ર એક જ સીડી હોવાના કારણે અનેક કર્મચારીઓ અંદર જ ફસાઈ ગયા હતા.


આગના કારણે ધુમાડાના ગોટેગોટાથી મુખ્ય એક્ઝિટ રસ્તો ભરાય ગયો હતો. ધુમાડાને લીધે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી અને ગભરાટના માહોલમાં પોતાનો જીવ જોખમમાં જોઈને અંદર ફસાયેલા બે કર્મચારીઓએ જીવ બચાવવા માટે બીજા માળની બારીમાંથી સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર કૂદકો માર્યો હતો. ઉપરથી નીચે પટકાવાના કારણે બંને કર્મચારીઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ દ્રશ્ય જોઈને નીચે હાજર સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને તરત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન રચિત પટેલનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


આ ઉપરાંત, ધુમાડાના કારણે ગુંગળામણ અને સામાન્ય ઈજાઓનો ભોગ બનેલા અન્ય પાંચ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી.


ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક લોકો દ્વારા તુરંત જ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ નજીકના ફાયર સ્ટેશનોમાંથી પાંચથી છ ફાયર ફાઈટરો અને રેસ્ક્યૂ વાનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ ભારે જહેમત અને સમયસૂચકતા વાપરીને એક તરફ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી, તો બીજી તરફ સ્નોર્કલ અને હાઇડ્રોલિક સીડીની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગની આ ત્વરિત અને સરાહનીય કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી.


ફાયર વિભાગના જવાનોએ સતત પ્રયાસો બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી અને ત્યારબાદ કૂલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ ભભૂકી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગની આ દુર્ઘટનામાં ઓફિસનું ફર્નિચર, કમ્પ્યુટર્સ અને અન્ય કિંમતી સાધન-સામગ્રી બળીને ખાક થઈ ગઈ છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application