BREAKING NEWS

જામનગર: જાંબુડા પાટિયા પાસે જ્યોતિ સ્ટ્રક્ચર કંપનીના કન્ટેનરમાં ભીષણ આગ, ફાયરની તત્પરતાથી ટળી મોટી દુર્ઘટના

  • July 11, 2026 05:35 PM 


જામનગર: જાંબુડા પાટિયા પાસે જ્યોતિ સ્ટ્રક્ચર કંપનીના કન્ટેનરમાં ભીષણ આગ, ફાયરની તત્પરતાથી ટળી મોટી દુર્ઘટના


જામનગર શહેરના જાંબુડા પાટિયા નજીક આવેલી જ્યોતિ સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં આજે બપોરના સમયે કન્ટેનરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં વીજ લાઈન સંબંધિત સામાન સંગ્રહ કરવામાં આવેલા કન્ટેનરમાંથી ધુમાડા નીકળતા જોઈ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.


પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનરમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક સામાન, વાયર અને અન્ય વીજ લાઈન સંબંધિત સામગ્રીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. આગની જ્વાળાઓ ઊંચી ઊઠતા કંપનીના અન્ય વિભાગમાં પણ ગભરાટ ફેલાયો હતો.

​​​​​​​ફાયરની ઝડપી કામગીરીથી આગ કાબૂમાં:

ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયરની એક ગાડી અને જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર જવાનોએ પાણીનો સત મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. આશરે 45 મિનિટની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.


ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગને બાજુના અન્ય કન્ટેનર અને કંપનીના મુખ્ય પ્લાન્ટ સુધી ફેલાતી અટકાવવામાં આવી હતી. જો સમયસર આગ ન બુઝાવવામાં આવી હોત તો કંપનીને કરોડોનું નુકસાન થવાની શક્યતા હતી.
​​​​
​​​​​​​કોઈ જાનહાનિ નહીં, તપાસ શરૂ:

સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ પણ થઈ નથી. ઘટના સમયે કંપનીમાં હાજર કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.


આગ લાગવાના ચોક્કસ કારણો અંગે ફાયર વિભાગ અને કંપનીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કંપની તરફથી પણ આગ લાગવાના કારણો અને થયેલા નુકસાન અંગે પંચનામું કરવામાં આવી રહ્યું છે.


ઉલ્લેખનીય છે કે જ્યોતિ સ્ટ્રક્ચર લિમિટેડ કંપની જામનગરના ઔદ્યોગિક વિસ્તારની મોટી કંપનીઓમાંની એક છે. અહીં વીજ લાઈન અને સ્ટ્રક્ચર સંબંધિત સામાનનું ઉત્પાદન કરવામાં આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application