વિયેતનામના ફૂ ક્વોક (Phu Quoc) આઇલેન્ડ નજીક એક સ્પીડબોટ દરિયામાં પલટી જતાં ૧૫ ભારતીય પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જેના કારણે આ સુંદર ટાપુ અત્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. અકસ્માત સમયે બોટ પર ૩૨ ભારતીય પ્રવાસીઓ અને ૪ ક્રૂ મેમ્બર સવાર હતા. આ સ્પીડબોટ પ્રવાસીઓને લઈને હોન મે રુત આઇલેન્ડથી એન થોઈ પોર્ટ તરફ જઈ રહી હતી, ત્યારે દરિયા કિનારાથી માત્ર ૪૦૦ મીટર દૂર ઊંચા મોજા અને ખરાબ હવામાનના કારણે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ૨૧ લોકોને બચાવી લેવાયા છે, જેમાંથી ૨ ની હાલત ગંભીર છે.
ભારતીયો માટે કેમ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યો ફૂ ક્વોક આઇલેન્ડ?
છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂ ક્વોક ટાપુ પર ફરવા જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. વિયેતનામનો આ સૌથી મોટો આઇલેન્ડ પોતાના મનમોહક દરિયાકિનારા (બીચ) ઉપરાંત એક ખાસ સરકારી નીતિના કારણે ભારતીયોમાં લોકપ્રિય બન્યો છે, અને તે નીતિ છે—‘વિઝા ફ્રી એન્ટ્રી’. ભારતીય પ્રવાસીઓ માટે અહીં વિઝા વગર ફરવાની છૂટ હોવાથી અને કાગળિયાની ઝંઝટ ઓછી હોવાથી લોકો અહીં આવવાનું વધુ પસંદ કરે છે.
શું છે વિઝા ફ્રી એન્ટ્રીની ખાસ શરતો?
જો કે, ફૂ ક્વોક આઇલેન્ડ પર મળતી વિઝા ફ્રી એન્ટ્રી માટે કેટલીક કડક શરતોનું પાલન કરવું અનિવાર્ય છે:
૩૦ દિવસની મર્યાદા:
ભારતીય પાસપોર્ટ ધારકો ફૂ ક્વોક આઇલેન્ડ પર વધુમાં વધુ ૩૦ દિવસ સુધી વિઝા વગર રહી શકે છે. શરત માત્ર એટલી જ છે કે પ્રવાસીઓએ સીધા આ આઇલેન્ડ પર આવવાનું રહેશે અને અહીંથી જ વ્યાપારી ફ્લાઇટ દ્વારા વિયેતનામની બહાર અન્ય દેશમાં રવાના થવાનું રહેશે.
વિયેતનામના અન્ય શહેરો માટે વિઝા ફરજિયાત:
જો કોઈ પ્રવાસી વિઝા વગર ફૂ ક્વોક પહોંચે છે અને ત્યારબાદ ત્યાંથી હો ચી મિન્હ સિટી અથવા હનોઈ જેવા વિયેતનામના અન્ય શહેરોમાં જવા માટે ડોમેસ્ટિક (આંતરિક) ફ્લાઇટ પકડે છે, તો તેમની પાસે માન્ય વિઝા અથવા ઈ-વિઝા હોવો ફરજિયાત છે.
ટૂંકમાં જે પ્રવાસીઓ માત્ર ફૂ ક્વોક આઇલેન્ડ પૂરતો જ પોતાનો પ્રવાસ મર્યાદિત રાખવા માંગતા હોય, તેમના માટે જ આ વિઝા ફ્રી સ્કીમ લાગુ પડે છે. આ સરળ નિયમોને કારણે જ દર વર્ષે હજારો ભારતીયો અહીં પહોંચે છે, પરંતુ આજના આ ભયાનક બોટ અકસ્માતે પ્રવાસનની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે.