રાજકોટમાં થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને સારવાર દરમિયાન પડી રહેલી ગંભીર મુશ્કેલીઓ અંગે દર્દી પરિવારો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. બડા બજરંગ ફાઉન્ડેશનના નેજા હેઠળ આપવામાં આવેલા આવેદન મુજબ, છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા મેજર બાળકોને સારવાર માટે જરૂરી દવાઓ અને સાધનો સમયસર ઉપલબ્ધ ન થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી હોવાનું જણાવાયું છે.
સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર બાળકોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. થેલેસેમીયા અસરગ્રસ્ત બાળકોને લોહીમાં વધેલા આયર્નના પ્રમાણને ઘટાડવા માટે આપવામાં આવતી જરૂરી ‘કેલ્કર’ દવા છેલ્લા કેટલાક મહિનાથી ઉપલબ્ધ નથી. ઉપરાંત, બાળકો માટે જરૂરી ડેસ્ફેરાલ ઈન્જેક્શન પણ લાંબા સમયથી હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાનું આવેદનમાં જણાવાયું છે. દર્દી પરિવારોના જણાવ્યા મુજબ થેલેસેમિયા બાળકોને દર ૧૫ દિવસે બ્લડ ચઢાવવું ફરજિયાત બને છે. જો સામાન્ય આર.સી.સી. બ્લડ ચઢાવવામાં આવે તો તાવ, ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ તેમજ શરીર પર ફોલ્લા જેવી રિએક્શન થવાની શક્યતા રહે છે. તેથી બાળકો માટે ફિલ્ટર કરાયેલ બ્લડ જરૂરી બને છે. અગાઉ દાતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલને બ્લડ ફિલ્ટર કરવાની એફ.આર.આર. મશીન આપવામાં આવી હતી, પરંતુ હાલમાં તે મશીન માટે જરૂરી બ્લડ ફિલ્ટર સેટ ઉપલબ્ધ નથી. પરિણામે બાળકોને શુદ્ધ ફિલ્ટર કરાયેલ લોહી મળી શકતું નથી. જરૂરિયાત મુજબનું બ્લડ પણ હોસ્પિટલમાં હંમેશા ઉપલબ્ધ રહેતું ન હોવાથી દર્દી પરિવારોને બહારથી ડોનર શોધવાની ફરજ પડે છે. દર્દી પરિવારોનું કહેવું છે કે થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત બાળકોને સમયસર સારવાર અને જરૂરી દવા-સાધનો મળી રહે તો તેમની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. સિવિલ હોસ્પિટલમાં જરૂરી દવાઓ, ઈન્જેક્શન, બ્લડ ફિલ્ટર સેટ અને અન્ય જીવનરક્ષક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application