સુરત અને નવસારીમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાથે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. જહાંગીરપુરા, અડાજન અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ પ્રથમ ધોધમાર વરસાદે જ સુરત મહાનગરપાલિકાનીપ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના ઉધના-નવસારી રોડ જેવા વ્યસ્ત માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં રસ્તાઓ સરોવરમાં ફેરવાઈ ગયા છે.
સુરતના વરાછા ઈશ્વરકૃપા સોસાયટીમાં ભારે વરસાદના કારણે ઝાડ પડી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વોર્ડ નં.14ના કોર્પોરેટર અનિલ સોજીત્રા તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ હટાવી સ્થિતિ સામાન્ય બનાવી હતી.
સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ઉધનાથી સચિન તરફ જતો સમગ્ર મુખ્ય માર્ગ આખેઆખો ભારે ટ્રાફિકજામની ચપેટમાં આવી ગયો છે. રસ્તાઓ પર ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ છે, અને ઓફિસ તેમજ ઔદ્યોગિક વસાહતો તરફ જતા હજારો નોકરીયાતો અને વાહનચાલકો કલાકો સુધી રસ્તા પર જ અટવાઈ પડ્યા છે.
સુરતના ઉધના અને ડિંડોલી વિસ્તારને જોડતા વ્યસ્ત ભીમનગર ગરનાળામાં વહેલી સવારથી જ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગરનાળામાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે, પરંતુ આ વખતે ડ્રેનેજ લાઈનો સંપૂર્ણપણે બ્લોક હોવાના કારણે ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર આવી ગયા છે, જેને પગલે આખો અંડરપાસ સ્વિમિંગ પૂલ જેવો બની ગયો છે.
નવસારી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે વિધિવત સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. લુંસીકુઈ, ટાવર, જુનાથાણા અને જલાલપોર સહિતના વિસ્તારોમાં ધીમીથી મધ્યમ ગતિએ વરસાદ ખાબકતા અસહ્ય બફારામાંથી મુક્તિ મળી છે અને બાળકોએ ધાબા પર ન્હાવાની મજા માણી હતી.
વિજલપોર અને જલારામ નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડ્યા હતા, જેના લીધે શાળાએ જતા બાળકો અને નોકરીયાતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર છૂટોછવાયો વરસાદ નોંધાતા ખેડૂતો હજી પણ વાવણી લાયક ભારે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.