ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ તેજ કરી છે. સમિટમાં ભાગ લેવા આવનારા દેશ-વિદેશના મહાનુભાવો, કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અન્ય મહેમાનોની અવરજવર સુગમ બનાવવા ૬૦૦થી વધુ વાહનો ભાડે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સરકારની નોડલ એજન્સી ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો (ઇન્ડેક્સ બી) દ્વારા વાહનોની વિવિધ કેટેગરી માટે ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
વાયબ્રન્ટ સમિટ દરમિયાન મહેમાનોના હોદ્દા, સુરક્ષા પ્રોટોકોલ અને પરિવહનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સામાન્ય સેડાનથી માંડીને પ્રીમિયમ એસયુવી, લક્ઝરી કાર અને ઇલેક્ટ્રિક વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને અતિમહત્ત્વના મહાનુભાવો માટે મર્સિડીઝ, બીએમડબલ્યુ અને ઓડી જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની લક્ઝરી કાર ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
વીવીઆઈપી મહેમાનો માટે મર્સિડીઝ એસ-ક્લાસ, બીએમડબલ્યુ 7 સિરીઝ અને ઓડી એ8 જેવી ૧૫ અલ્ટ્રા-લક્ઝરી સેડાન કાર ભાડે લેવામાં આવશે. આ ઉપરાંત મર્સિડીઝ ઈ-ક્લાસ, ટોયોટા કેમરી, બીએમડબલ્યુ 5 સિરીઝ અને ઓડી એ6 કેટેગરીનાં ૪૦ વાહનો તથા મર્સિડીઝ સી-ક્લાસ અને બીએમડબલ્યુ 3 સિરીઝ જેવી એક્ઝિક્યુટિવ સેડાનનાં ૬૫ વાહનોનો સમાવેશ કરાશે.
મહેમાનોની અવરજવર માટે સૌથી વધુ સંખ્યામાં એમપીવી વાહનો ઉપલબ્ધ રહેશે. તેમાં ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અથવા સમકક્ષનાં ૨૨૦ અને ઇનોવા હાઇક્રોસ અથવા સમકક્ષનાં ૯૫ વાહનો મળીને કુલ ૩૧૫ વાહનોનો કાફલો તૈયાર કરાશે.
પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવાના અભિગમ સાથે ૪૦ ઇલેક્ટ્રિક વાહનો પણ ભાડે લેવાશે. તેમાં સ્ટાફની અવરજવર માટે ૨૦ ટાટા નેક્સોન ઈવી અને ૨૦ ટાટા ટિગોર ઈવીનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને ગાંધીનગર એરપોર્ટથી હોટેલ, મહાત્મા મંદિર તથા અન્ય કાર્યક્રમ સ્થળો સુધી મહેમાનોને સમયસર પહોંચાડવા પરિવહન વ્યવસ્થા કાર્યરત રાખવાનું આયોજન છે. આ માટે વાહનોની ઉપલબ્ધતા અને સંચાલન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. વૈશ્વિક મહેમાનોને સુવ્યવસ્થિત પરિવહન અને ઉચ્ચ સ્તરની મહેમાનગતિ પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકાર આ આયોજન કરી રહી છે.