યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ચૂકવણા પર લાગતો 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ ગ્રાહકો પર નાખવામાં નહીં આવે. આગામી 15 ઓક્ટોબરથી 2000 રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા ચાર્જ લાગુ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં કેટલાક વેપારીઓએ આ ચાર્જ ગ્રાહકો પાસેથી વસૂલવાની વાત કરી હતી, જેને રોકવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે.
સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા અનુસાર, વેપારીઓ અને પેમેન્ટ એગ્રીગેટર્સ વચ્ચે સુમેળ સાધીને કરાર કરાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. 15 ઓક્ટોબર પછી દેશભરમાં થતા તમામ યુપીઆઈ ચૂકવણા પર દૈનિક ધોરણે કડક નિરીક્ષણ (મોનિટરિંગ) કરવામાં આવશે. ગયા વર્ષના સમાન સમયગાળા સાથે તેની તુલના કરીને ચાર્જ લાગુ થયા બાદ ટ્રાન્ઝેક્શન પર પડેલી અસરનો અભ્યાસ કરવામાં આવશે. આ ઉપરાંત, જીએસટી (GST) ના દાયરા બહારના વેપારીઓને ચાર્જ પર લાગતા 18 ટકા જીએસટીમાંથી મુક્તિ આપવા અંગે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
સરકારી સૂત્રોનું માનવું છે કે આ નવો ચાર્જ લાગુ થવા છતાં દેશમાં રોકડ ખરીદી વધવાની કોઈ શક્યતા નથી. એમડીઆર (MDR) ચાર્જ તરીકે એકત્રિત થનારી કુલ રકમમાંથી 5 ટકા નાણાં યુપીઆઈ નેટવર્કને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે ખર્ચવામાં આવશે, જેથી ડિજિટલ સેવાનો લાભ અંતરિયાળ વિસ્તારો અને વંચિત લોકો સુધી પહોંચાડી શકાય.
બીજી તરફ ભારત સરકારે પોતાના સ્વદેશી 'રૂપે' (RuPay) કાર્ડને પ્રોત્સાહન આપવા માટે તેને એમડીઆર ચાર્જમાંથી સંપૂર્ણપણે મુક્ત રાખ્યું છે. જ્યારે વિદેશી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર ચાર્જ વસૂલવામાં આવશે. યુએસ બેંકો અને કંપનીઓએ તેમના ક્રેડિટ કાર્ડને ભારતીય યુપીઆઈ સાથે જોડવાની માંગ કરી હતી, પરંતુ સરકારે દેશના હિતમાં પોતાની સ્વદેશી નાણાકીય પ્રણાલી અને રૂપે કાર્ડને જ પ્રાધાન્ય આપવાનો મક્કમ નિર્ણય લીધો છે.