BREAKING NEWS

કોર્પોરેટર પણ ન્હોતી ત્યારે કપાતમાં ગયેલી દુકાન સામે આવાસ મળ્યું'તું: રાજકોટના ડેપ્યુટી મેયરનો બચાવ

  • September 18, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ આવાસ યોજનામાં લાભાર્થી બન્યા હોવાનું અને હાલ આવાસ ભાડે આપ્યું હોવાની વિગતો સામે આવતા આ મામલે સ્પષ્ટતા કરતા આજે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે કોર્પોરેટર ન્હોતા કે ભાજપમાં પણ નહોતા તે સમયે તેમના પરિવારની કપાતમાં ગયેલી દુકાનના વિકલ્પે તેમને આવાસ ફાળવવામાં આવ્યુ હતું. અરજદાર તરીકે કે અન્ય કોઈ પ્રકારે ગેરરીતિ આચરીને તેઓ લાભાર્થી બન્યા નથી. સમગ્ર મામલો રેકર્ડ ઉપર જ સ્પષ્ટ છે.

નટરાજનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવાસ યોજના બનાવવા માટે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો ત્યારે પોતાની દુકાન કપાતમાં ગઈ હોવાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામેના વિસ્તારમાં આવેલી રાજીવ આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યુ હોવાનું દક્ષાબેન વસાણીએ સ્પષ્ટ કર્યું છે. તેમણે આવાસની ફાળવણી અંગે થઈ રહેલા ગેરરીતિના આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.

વિશેષમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના જણાવ્યા અનુસાર નટરાજનગર વિસ્તારમાં તેઓની દુકાન હતી. મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાની કામગીરી માટે વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો ત્યારે તેમની દુકાન પણ કપાતમાં આવી હતી. તેના બદલામાં મહાનગરપાલિકા દ્વારા સામેના રોડ પર આવેલી રાજીવ આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યુ હતું.

દક્ષાબેનનું કહેવું છે કે, તેમણે કોઈ ખોટી રીતે કે એકથી વધુ લાભ મેળવવાના હેતુથી આવાસ મેળવ્યું નથી. દુકાન કપાતમાં જવાના બદલામાં જ મનપાની પ્રક્રિયા અંતર્ગત આવાસની ફાળવણી કરવામાં આવી હતી. આથી તેમણે ગેરરીતિથી આવાસ મેળવ્યો હોવાના દાવા હકીકતવિહોણા હોવાનું જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, આવાસ ફાળવણી સંબંધિત હકીકતો અને તે સમયની મનપાની કાર્યવાહી ચકાસવામાં આવે તો સમગ્ર બાબત સ્પષ્ટ થઈ શકે છે. પોતાના તરફથી કોઈ માહિતી છુપાવવામાં આવી નથી અને દુકાન કપાતમાં જવાના કારણે જ ક્વાર્ટર મળ્યું હોવાનું દક્ષાબેન વસાણીએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News