BREAKING NEWS

સોયાબીન તેલ-વનસ્પતિ ઘી ભેળવીને વેચાતું નકલી ઘી: રાજકોટ પોલીસે ઘીમાં મિલાવટ કરતી દુકાન ઝડપી પાડી

  • September 18, 2026 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ) પોલીસ ટીમ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ શહેરના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના અનોપસિંહ અને યોગરાજસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કેવડાવાડી મુખ્ય રોડ પર દરોડા પાડ્યા હતા.   

બાતમી મુજબ, કેવડાવાડી મેઇન રોડ પર બોમ્બે આર્યન પાસે આવેલી ‘વોલ્ગા ઘી ડેપો’ નામની દુકાનમાં ભેળસેળનું વેચાણ થતું હતું. આ દુકાનના માલિક કેવલભાઈ જયપ્રકાશભાઈ ચંદ્રાણી (રહે. જાગનાથ શેરી નં. ૩, અમી સંસ્કૃતિ એપાર્ટમેન્ટ, રાજકોટ) દ્વારા સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને દૂધની બનાવટનું ઘી મિક્સ કરીને નકલી તથા ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હતું. ત્યારબાદ આ શંકાસ્પદ ઘીને અલગ-અલગ આકર્ષક ડબ્બાઓ અને બોટલોમાં પેક કરી ગ્રાહકોને અસલી ઘી તરીકે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.   

પોલીસે દુકાનમાં દરોડો પાડીને તપાસ હાથ ધરતા ત્યાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘી, વનસ્પતિ તેલના જથ્થા ઉપરાંત પેકિંગ માટેના સાધનો મળી આવ્યા હતા. આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ. રાઠોડને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં તમામ શંકાસ્પદ ઘીના જથ્થાનું યોગ્ય સેમ્પલિંગ કરીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.   

આ દરોડા દરમિયાન પોલીસે અંદાજે ૧૫ કિલોની ક્ષમતાવાળા વિવિધ બ્રાન્ડ અને કિંમતના શંકાસ્પદ ઘીના ટીપાઓ, વનસ્પતિજન્ય ઘીના ડબ્બા, ગાય અને ભેંસના ઘીની અલગ-અલગ ક્ષમતા વાળી કાચની તથા પ્લાસ્ટિકની બોટલો જપ્ત કરી હતી. આ ઉપરાંત ‘કામધેનુ પ્રીમિયમ ઘી’ લખેલી બરણીઓ, ખાલી બોટલો, ગેસનો બાટલો, ચૂલો, વજન કાંટો, ડબ્બા સીલ કરવાનું મશીન તેમજ વિવિધ નામાંકિત બ્રાન્ડ અને ગૌશાળાના નામના પ્રિન્ટ કરેલા ૨૬૦થી વધુ નકલી સ્ટીકરો પણ મળી આવ્યા હતા.   

તમામ કાર્યવાહી અંતર્ગત પોલીસે અંદાજે રૂ. ૨,૮૩,૮૭૯ની કિંમતનો કુલ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદે ધંધા વિરુદ્ધ પીએસઆઈ એમ.વી. જાડેજા તથા એસ.ઓ.જી. ના અન્ય પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર શખ્સ સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News