સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે આશરે 12:12 વાગ્યાના અરસામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. છઠ્ઠા માળેથી શરૂ થયેલી આ આગ જોતજોતામાં પાંચમા અને ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. શહેરભરમાંથી 25 જેટલા ફાયર ટેન્ડર, ટર્ન ટેબલ લેડર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે 150થી વધુ અધિકારીઓ અને ફાયરકર્મીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ વિકરાળ આગમાં 17થી વધુ દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સિન્થેટિક કાપડ અને સાડીઓનો મોટો જથ્થો હોવાથી પ્લાસ્ટિકની જેમ પ્રજ્વલિત થઈને ભારે કાળો ધુમાડો ફેલાયો હતો. રાત્રિના સમયે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં શરૂઆતમાં અંદર પ્રવેશવું અશક્ય બન્યું હતું, જેથી ફાયર ટીમે બ્રીથિંગ એપેરેટસ સેટ અને લાઈટ માસ્ટનો ઉપયોગ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. 10 કલાકથી વધુ સમયની મહેનત બાદ એક તબક્કે આગ કાબુમાં આવી હતી, પરંતુ હીટ ટ્રાન્સફર અને કેમિકલ રિએક્શનના કારણે આગ ફરી ભભૂકી ઉઠી હતી. આ કામગીરી દરમિયાન એક ફાયરકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો.
ડિવિઝનલ ફાયર ઓફિસર હિતેશ ઠાકોરે જણાવ્યું હતું કે છઠ્ઠા ફ્લોર પર સંગ્રહિત સાડીઓનું મટીરીયલ પેટ્રોકેમિકલ્સ પ્રકારનું હોવાથી તે ફ્યુઅલ તરીકે વર્તી રહ્યું હતું. હીટ, સ્મોક અને ચેઇન રિએક્શનના કારણે એક દુકાનમાંથી બીજી દુકાનમાં ગરમી ટ્રાન્સફર થતાં આગ વારંવાર પ્રજ્વલિત થતી હતી. જોકે, કલાકોની જહેમત બાદ સ્થિતિ નિયંત્રણ હેઠળ આવી હતી અને કૂલિંગ કામગીરી કરી હતી. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ બચાવ કામગીરી પૂરી કરવામાં આવી હતી.
તહેવારોની સીઝન હોવાથી વેપારીઓએ માર્કેટમાં મોટા પ્રમાણમાં સ્ટોક તૈયાર કરી રાખ્યો હતો. વેપારી અનુપ જલના જણાવ્યા મુજબ, છઠ્ઠા માળે દુકાનોની બહાર મુકેલા સિન્થેટિક માલના જથ્થાએ આગ પકડતા તે ક્ષણભરમાં બંને તરફની દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 15થી 17 જેટલી દુકાનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. 2500થી 2700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા બે ગોડાઉનનો કાપડનો જથ્થો પણ નાશ પામ્યો છે, જ્યારે કેટલોક માલ ફાયર ફાઈટિંગના પાણીથી પલળી જતાં વ્યાપક નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં જ એસએમસીના અધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો અને સુરતના મેયર પોતે સ્થળ પર સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. માર્કેટના નિયમ મુજબ રાત્રે તમામ દુકાનોના મુખ્ય વીજ કનેક્શન બંધ કરી દેવામાં આવતા હોય છે, છતાં બંધ માર્કેટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ અકબંધ છે. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આગનું સાચું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.