BREAKING NEWS

પીએચડીની ખાલી જગ્યાઓ ભરવા અને અધ્યાપકોને ગાઈડશીપ આપવા હિલચાલ

  • November 10, 2025 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પબ્લિક એક્ટ અને સ્ટેચ્યુટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની સરકારી યુનિવર્સિટીઓમાં અમલમાં આવ્યા અને બે વર્ષ જેટલો લાંબો સમયગાળો પસાર થઈ જવા છતાં હજુ સુધી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકઝીકયુટીવ કમિટી જેવા સત્તા મંડળોમાં પૂરી નિમણૂક કરવામાં આવી નથી. આ મામલે વડી અદાલતમાં રીટ કરવામાં આવ્યા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ થોડા સમય પહેલા આ બંને સત્તા મંડળોમાં નિમણૂક કરી છે. આ નિમણૂક પૂરી થયા બાદ હવે ટૂંક સમયમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક બોલાવવામાં આવશે અને કોલેજોમાં ભણાવતા અનુસ્નાતક અધ્યાપકોને પીએચડીના ગાઈડ તરીકે માન્યતા આપવા સહિતના મુદ્દે રચાયેલી કમિટીનો રિપોર્ટ સ્વીકારીને તેનો અમલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

કુલપતિના આદેશ મુજબ આ મામલે એક કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ તેમનો અહેવાલ તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ આપી દીધો હતો. પરંતુ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જ્યાં સુધી અંતિમ મંજૂરી ન મળે ત્યાં સુધી આવી અમલવારી ન થઈ શકે તેવી જોગવાઈ છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મીટીંગનું કોરમ થાય તેટલા સભ્યો પણ ન હોવાથી મીટીંગ બોલાવવાનો પણ કોઈ અર્થ ન હતો. હવે જ્યારે કોરમ થઈ શકે તેટલા સભ્યો હોવાના કારણે ટૂંક સમયમાં તેની મીટીંગ બોલાવીને આ નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં અધ્યાપકોને માર્ગદર્શક ગણીને પીએચડીના સ્ટુડન્ટ ફાળવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ તે મુજબ કાર્યવાહી થવી જોઈએ તેઓ કમિટીએ રિપોર્ટ આપ્યા પછી હવે તેની અમલવારી થાય તેવું લાગે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કામાં પીએચડી ના 59 વિદ્યાર્થીઓને એડમિશન અપાયા પછી હવે બીજા તબક્કામાં 75 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવું લાગે છે અને આ સમગ્ર પ્રક્રિયા તરીકે ૩૧ ડિસેમ્બર પહેલા પૂરી કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં એડમિશન અપાયા પછી ફિઝિયોથેરાપી આંકડાશાસ્ત્ર અને ફાર્મસીમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે. પ્રથમ તબક્કામાં નેટ અને સ્લેટ ની પરીક્ષા પાસ કરનારને પ્રવેશ અપાયા હતા અને તેના કારણે કોમર્સમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે. અંગ્રેજી વિષયમાં દર વર્ષે 40 થી 45 વિદ્યાર્થીઓને પીએચડી ના એડમિશન અપાતા હોય છે. આ વખતે માત્ર એક વિદ્યાર્થીને જ એડમિશન આપી શકાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application