BREAKING NEWS

ચૂંટણી પહેલા ઓબીસી અનામતની ટકાવારી 27% થી વધારી ‌ 54% કરવા આંદોલન

  • November 25, 2025 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી) ની અનામતની ટકાવારી ચૂંટણીમાં 10% હતી તે વધારીને 27% કરવામાં આવી છે. પરંતુ આમ છતાં આ બાબત પણ અન્યાયકર્તા છે અને 54% બેઠકો અનામત હોવી જોઈએ તેવી માગણી સમસ્ત કોળી ઠાકોર એકતા સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ મામલે તમામ જિલ્લા મથકો એ જિલ્લા કલેકટર સહિતના સત્તાવાળાઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત માટેનો તખતો પણ ગોઠવાઈ રહ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રીને સંબોધન કરીને જે આવેદનપત્ર પાઠવવામાં આવનારું છે તેમાં વસ્તી જેટલી ભાગીદારી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી સમાજને આપવી જોઈએ તેવી માગણી ઉઠાવવામાં આવી છે. જો આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો સંવિધાનિક ન્યાય માટે આંદોલન કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. આ મામલે ગઈકાલે વીંછીયા ખાતે મામલતદાર કચેરીમાં આગેવાનો ગયા હતા અને કન્વીનર મુકેશભાઈ રાજપરાની આગેવાની હેઠળ આવેદનપત્ર અપાયું હતું.

થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે પણ આવા જ પ્રકારનું એક આંદોલન કરવામાં આવ્યું હતું અને તેમાં ઓબીસી અનામત નક્કી કરવા માટે રચવામાં આવેલા ઝવેરી પંચનો અહેવાલ જાહેર કરવાની માગણી કરવામાં આવી છે.

ઓબીસી જન અધિકાર સમિતિ 'ઓજસ' દ્વારા પણ આ મામલે મુવમેન્ટ ચલાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં વ્યાપક પ્રમાણમાં આ અંગેના સેમિનારો યોજાઈ ગયા છે. અલગ અલગ 146 પ્રકારની જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે અને તેની કુલ વસ્તી 52% હોવાનો દાવો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જો વસ્તીના આધારે અનામતની ટકાવારી નક્કી કરવામાં આવે અને માત્ર ઓબીસી ને જ 52 ટકા અનામત મળે તેવું પણ શકય થાય તેમ નથી. કારણકે અનામતની ટકાવારી કોઈપણ સંજોગોમાં 50% થી વધુ ન હોવી જોઈએ તેવું રુલિંગ સુપ્રીમ કોર્ટે આપ્યું છે.

અનામતની ટકાવારીની અત્યારની વાત કરીએ તો ગુજરાતમાં શેડ્યુલ કાસ્ટની વસ્તી સાત ટકા, શેડ્યુલ ટ્રાઈબસની વસ્તી 14% છે .ઓબીસીની વસ્તી 52 થી 54% હોવાના દાવા કરવામાં આવે છે. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાયબસને અનુક્રમે સાત અને 14% અનામત આપવામાં આવી છે. જ્યારે ઓબીસી ને 27% અનામત છે. આ ત્રણ કેટેગરીની જ અનામતની ટકાવારી 73% થવા જાય છે અને ઓપન કેટેગરીમાં માત્ર 27% રહે છે. આ ઉપરાંત માજી સૈનિકો અને વિકલાંગોને બે ટકા અનામત આપવામાં આવે છે.

અનામતના આ મામલે લાંબા સમયથી લડત ચાલી રહી છે અને સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો હતો. સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ મુજબ ગુજરાત સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરીના વડપણ હેઠળ સમર્પિત આયોગની રચના કરી હતી. આ આયોગના અહેવાલ મુજબ ઓબીસી અનામત ૧૦ ટકામાંથી વધારીને 27% કરવામાં આવી છે પરંતુ આમ છતાં હજુ આ મામલે લડત ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News