BREAKING NEWS

રાજકોટ જિલ્લાની મતદાર યાદીમાંથી 3,01,650 મતદારોના નામ દૂર કરાયા, 100થી વધુ વયના 460 અને 18થી 20 વર્ષની વયના 51,889 મતદારો

  • March 25, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી દિવસોમાં યોજાનારી રાજકોટ જિલ્લા પંચાયતની 36,રાજકોટ જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયતની 202 અને ગોંડલ નગરપાલિકાની 44 બેઠકો માટેની ચૂંટણી માટેની મતદાર યાદી થઇ ચૂકી છે. જિલ્લાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આ મતદારી યાદીમાંથી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 'સર' ની પ્રક્રિયા બાદ મૃત્યુ, સ્થળાંતર, ગેરહાજર અને બેવડાયેલા મળીને કુલ 3,01,650 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે.


આ મતદાર યાદીમાં 18 થી 19 વર્ષની વય જૂથના 26591 સહિત 18 થી 20 વર્ષની વય જૂથમાં 51889 મતદારો છે. 30 થી 39 વર્ષના મતદારોની સંખ્યા 414105 છે. રાજકોટ જિલ્લાની મતદાર યાદીમાં 100 વર્ષથી ઉંમરના મતદારો ની સંખ્યા 460 છે. આ મતદાર યાદીમાં 18 થી 20 વર્ષની વય જૂથમાં 51889 મતદારો છે અને તે આગામી દિવસોમાં યોજનારી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે.


ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદીમાં પણ 'સર'ની ઇફેક્ટ જોવા મળી હતી અને 2021માં નોંધાયેલા મતદારોની સંખ્યાની સરખામણીએ 'સર' પછીની મતદાર યાદીમાં 1,08,039 મતદારો ઘટી ગયા છે.


મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ અને મતદાન મથકો ફાઇનલ કરવાની મોટા ભાગની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયા પછી ચૂંટણી શાખામાં તેનો ધમધમાટ જોવા મળશે. બીજી બાજુ ચૂંટણી જાહેર થયા પછી ઉમેદવારોની પસંદગી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી જશે. એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણીઓ યોજાનાર હોવાથી રાજકીય પક્ષો માટે સંકલન અને વ્યવસ્થા ગોઠવવાનો પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં 15 મહાનગરપાલિકા 84 નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીઓ અને 11 નગરપાલિકામાં 13 બેઠકની પેટા ચૂંટણી યોજવામાં આવશે. આ ઉપરાંત 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application