BREAKING NEWS

રાજકોટને કોરાણે મુકી જામનગર-પોરબંદર જિલ્લાના જળાશયોમાં નર્મદાનીર છોડાયું

  • August 25, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૫ લાખની વસતી ધરાવતા રાજકોટ શહેરને  પીવાનું પાણી પૂરૂં પાડતા આજી-૧ ડેમમાં ૫૦ ટકા, ન્યારી-૧ ડેમમાં ૩૯ ટકા અને ભાદર-૧ ડેમમાં ૨૩ ટકા જ જળ જથ્થો ઉપલબ્ધ હોવા છતાં રાજકોટને અપાતું સૌની યોજનાનું નર્મદાનીર બંધ કરાયું છે. રાજકોટ શહેરને કોરાણે મુકીને હાલ જામનગર અને પોરબંદર જિલ્લાના જળાશયોમાં સૌની યોજનાનું નર્મદાનીર છોડવાનું શરૂ કરાયું હોવાનું જાણવા મળે છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ ચોમાસે ઓછા વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો ખાલી રહ્યા છે, દરમિયાન ઉપરવાસમાં સારા વરસાદને પગલે નર્મદા ડેમમાં વિપુલ જળરાશિ ઠલવાઇ હોય સૌની યોજના હેઠળ નર્મદા નીર છોડવાનું શરૂ કરાયું છે. હાલ સુધી રાજકોટને આજી ડેમ ખાતે સૌની યોજનાનું નર્મદા નીર આપવાનું ચાલું હતું પરંતુ જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ થતા ત્યાં આગળ મોટા ભાગના જળાશયો ખાલી હોય રાજકોટને અપાતું સૌની યોજનાનું નર્મદાનીર બંધ કરીને જામનગર અને પોરબંદર જિલ્લાના ડેમોમાં આપવાનું શરૂ કરાયું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે હવે રાજકોટના આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાનું નર્મદાનીર ક્યારથી અપાશે તે નક્કી નથી, કદાચ એકાદ સપ્તાહ પછી જન્માષ્ટમીના તહેવારોથી આપવાનું શરૂ કરાય તેવી શક્યતા છે. હાલ તો સૌની યોજનાનું લિંક-૩ મારફતે જામનગર અને દ્વારકા જિલ્લા માટે નર્મદાનીર છોડવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરનો મુખ્ય જળસ્ત્રોત આજી-૧ ડેમની કુલ ઉંડાઇ ૨૯ ફુટ છે અને આજની સ્થિતિએ ડેમની જળસપાટી ૨૧ ફૂટ છે, ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૩૩ એમસીએફટી છે અને આજની સ્થિતિએ ૪૬૯ એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે, ટકાવારીની દ્રષ્ટિએ ડેમ ૫૦ ટકા ભરેલો છે. જો ડેમમાં નર્મદાનીર ઠાલવવામાં ન આવે તો માંડ દિવાળી સુધી ચાલે તેટલો જળ જથ્થો જ ઉપલબ્ધ છે. પશ્ચિમ રાજકોટના જળ સ્ત્રોત ન્યારી-૧ ડેમની કુલ ઉંડાઇ ૨૫.૧૦ ફૂટ છે અને આજની સ્થિતિએ ડેમની જળ સપાટી ૧૫.૪૦ ફૂટ છે. ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા ૧૨૪૮ એમસીએફટી છે, જ્યારે આજની સ્થિતિએ ડેમમાં ૪૨૮ એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે. ટકાવારીની દ્રષ્ટિએ ડેમમાં ૩૯.૨૧ ટકા જળ જથ્થો સંગ્રહિત છે. ન્યારી ડેમમાં પણ દિવાળી સુધી ચાલે તેટલો જળ જથ્થો જ ઉપલબ્ધ છે. આથી વ્હેલી તકે સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવુ જરૂરી છે. રાજકોટને દરરોજ ૪૫ એમએલડી પાણી પૂરૂં પાડતા ભાદર-૧ ડેમની કુલ ઉંડાઇ ૩૪ ફૂટ છે અને આજની સ્થિતિએ ડેમની સપાટી ફ્ક્ત ૧૮.૪૦ ફૂટ છે. ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા ૬૬૪૪ એમસીએફટી છે જેની સામે હાલ ૧૫૭૭ એમસીએફટી જળજથ્થો સંગ્રહિત છે. ટકાવારીની દૃષ્ટિએ ભાદર ડેમમાં ૨૩.૭૩ ટકા જળ જથ્થો સંગ્રહિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application