BREAKING NEWS

આજી અને ન્યારીમાં ૧૫ જાન્યુઆરીથી નર્મદાનીર આપો: સરકારમાં ડિમાન્ડ

  • December 16, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં ઉનાળામાં પણ દરરોજ ૨૦ મિનિટ પાણી વિતરણ થઇ શકે તે માટે આગામી તા.૧૫ જાન્યુઆરીથી આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં સૌની યોજનાનું ૩૧૫૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના નર્મદા વિભાગ સમક્ષ માંગણી દરખાસ્ત રજૂ કરાઇ છે. રાજકોટ શહેરની પાણીની દૈનિક જરૂરિયાત ૪૫૦ એમએલડી હોય તે સૌની યોજનાના નર્મદાનીર વિના પૂર્ણ થઇ શકે તેમ નથી. ચાલુ ચોમાસે આજી અને ન્યારી ઓવરફ્લો થયા હતા તેમ છતાં રોજિંદી ઉપાડ વ્યવસ્થા મુજબ આજી-૧ ડેમમાં જાન્યુઆરી સુધીનો અને ન્યારી-૧ ડેમમાં માર્ચ મહિના સુધીનો જ જળ જથ્થો ઉપલબ્ધ છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાયેલી માંગણી દરખાસ્તમાં જણાવ્યું છે કે,

હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક ૨૦ મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરુરીયાત ૪૫૦ એમએલડી છે. તે પૈકી ૧૩૫ એમએલડી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ મારફત નર્મદા પાઇપલાઇન યોજના દ્વારા મેળવવામાં આવે છે, અને ૩૧૫ એમએલડી ઉક્ત સ્થાનિક જળાશયોમાંથી મેળવવામાં આવે છે.આજી ડેમમાં ૮૬૨.૫૬ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે, જે હાલનાં ઉપાડ અનુસાર તા.૩૧.૧.૨૦૨૬નાં રોજ અંદાજે માત્ર ૨૮૪ એમસીએફટી ઉપલબ્ધ હશે, જ્યારે હાલ ન્યારી-૧ ડેમમાં ૯૯૫.૦૯ એમ.સી.એફ.ટી. જથ્થો ઉપલબ્ધ છે, જે તા.૩૧.૩.૨૦૨૬નાં રોજ અંદાજે માત્ર ૧૧૧ એમસીએફટી ઉપલબ્ધ હશે.

દરખાસ્તમાં ઉમેર્યું છે કે, આજી તથા ન્યારી ડેમમાં ૨૬૦૦ એમસીએફટી જળ જથ્થાની આવશ્યકતા રહે. પરંતુ આગામી એપ્રિલ-મે ૨૦૨૬ દરમ્યાન સૌરાષ્ટ્ર શાખા નહેરને મેન્ટેનન્સ માટે બંધ કરવાનું આયોજન હોવાથી પૂર્વ આયોજનના ભાગ રૂપે પાણીની જરૂરીયાત મુજબ સંગ્રહ વ્યવસ્થા કરવા મુખ્ય ઈજનેર, જીયુડીએમ દ્વારા પત્ર મારફતે જાણ કરાઇ છે. જેથી આ સમયગાળા દરમ્યાન આજી તથા ન્યારી ડેમમાંથી મહત્તમ પાણીનો ઉપાડ કરવો અત્યંત જરૂરી બને. જે કારણોસર વિશેષ ૫૫૦ એમસીએફટી જળ જથ્થાની જરૂરીયાત પણ ઉપસ્થિત થશે.

ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લેતા, રાજકોટ શહેરમાં આગામી વર્ષ-૨૦૨૬નાં ચોમાસાનાં વરસાદ પહેલા આજી તથા ન્યારી જળાશયમાં તા.૩૧.૭.૨૦૨૬ અથવા નવી જળ રાશી ઉપલબ્ધ થવા સુધી દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચારૂ રૂપે જાળવી રાખવા માટે સરકારની સૌની યોજના મારફત આજી તથા ન્યારી જળાશયમાં તા.૧.૧.૨૦૨૬થી તબક્કાવાર કુલ ૩૧૫૦ એમસીએફટી જળ જથ્થાની આવશ્યકતા રહે.રાજકોટ શહેરમાં દૈનીક ૨૦ મીનીટ પાણી પુરવઠો સુચારૂ રૂપે જાળવી રાખવા માટે આ જળ જથ્થો સૌની યોજના મારફત ઉપલબ્ધ કરાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માંગણી દરખાસ્ત રજૂ કરાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application